Site icon Revoi.in

કોરોનાનું ગ્રહણ AMTSને લાગ્યુઃ કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ જાહેર પરિવહન સેવા બીઆરટીએસ અને એએમટીએસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈ 18મી માર્ચથી મ્યુનિ. બસ સેવા સદંતર બંધ કરવામાં આવી છે. પરિણામે લાખો બસ પ્રવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા 15 દિવસથી બસ સેવા બંધ રહેતા મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસને કુલ રૂ. અઢી કરોડ જેટલી આવક ગુમાવવી પડી છે, એટલે મોટો આર્થિક ફટકો પડતા કર્મચારીઓ, ડ્રાઇવર, કન્ડકટરોના પગારની ચુકવણી શાસકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

શહેરની આમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) વર્ષોથી કરોડો રૂપિયાની ખોટ કરે છે. જેમાં કોન્ટ્રાક્ટ પર બસો લેવામાં આવતી હોવાથી ખોટમાં વધારો ખઈ રહ્યો છે. કોરોનાએ એએમટીએસની આવકમાં મોટુ ગાબડુ પાડ્યુ છે. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રોજ 662 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. જેમાં રોજ સાડા ચાર લાખથી પાંચ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હોવાથી રોજ 18 લાખ 50 હજાર સુધી આવક થતી હતી પરંતુ છેલ્લા 15 દિવસથી આ રોજિંદી આવક બંધ થતા કુલ રૂ. અઢી કરોડ જેટલી આવક ટ્રાન્સપોર્ટ સર્વિસને ગુમાવવી પડતા ભારે મોટો આર્થિક ફટકો પડયો છે.

પરિણામે મ્યુનિ.નું આર્થિક તંત્ર ખોરવાઈ ગયું  છે. તેથી એએમટીએસના  ડ્રાઇવર કન્ડકટરો જ નહીં અધિકારીઓ, કર્મચારીઓના માર્ચ માસનો પગાર ચૂકવવા મ્યુનિ. કોર્પોરેશન પાસેથી લોન લીધા વિના છૂટકો રહ્યો નથી. એએમટીએસના શાસકો એમ પણ કહી રહ્યા છે કે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસનું તંત્ર મ્યુનિ. કોર્પોરેશનની કાયમી લોન પર જ ચાલે છે. કોરોનાની માઠી અસર બસ સેવાની આવક પર સૌથી વધુ પડી છે અને આવકનો આ ફટકો ક્યાં સુધી ચાલુ રહેશે તે કહી શકાય તેમ નથી,