Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેર : ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને દેશવ્યાપી લોકડાઉનનો આપ્યો આદેશ

Social Share

દિલ્હી : ફ્રાંસમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને સરકારે દેશવ્યાપી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોને બુધવારે દેશવ્યાપી લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવે,જેથી  કોવિડ -19 સંક્રમણની ત્રીજી લહેરને પાછળ ધકેલવામાં મદદ મળશે.નહીતર ત્રીજી લહેર હોસ્પિટલો પર પણ ભારી પડી શકે છે. તેમણે કહ્યું કે, જો આપણે હજી સુધી નક્કર પગલા નહીં લઈએ તો આપણે કોરોના પરનો નિયંત્રણ ગુમાવીશું.

રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, આ સમય દરમિયાન ફક્ત જરૂરી ચીજોની દુકાનો જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ લોકોને ઓફીસને બદલે ઘરેથી જ કામ કરવું પડશે. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન જાહેર સભાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. યોગ્ય કારણ વિના તમારા ઘરથી 10 કિમીથી વધુ દૂર જવા પર પણ પ્રતિબંધ હશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ કોરોના રસીકરણ અને વાયરસ ખાસ કરીને વાયરસના બ્રિટિશ વેરીએન્ટના ફેલાવા વચ્ચેની રેસ છે. જો સરકારે હજી સુધી કંઈ કર્યું નથી, તો તેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ થઇ શકે છે. એપ્રિલના અંત સુધીમાં તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ વાયરસને રોકવા માટે વધુ પ્રયાસ કરે. તેમણે કહ્યું કે આ દરમિયાન સરકાર રસીકરણના કામને ઝડપી બનાવશે અને ઉનાળાના અંત સુધીમાં સરકાર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપશે. ફ્રાન્સમાં કુલ સંક્રમિતોની સંખ્યા 46.46 લાખ પર પહોંચી ગઈ છે. જ્યારે કોરાના વાયરસને કારણે અત્યાર સુધીમાં 95,502 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં હાલ 5000 લોકો કોરોનાના કારણે આઈસીયુમાં દાખલ છે.

દેવાંશી