અમદાવાદઃ દાહોદમાં શિશિરની ગુલાબી ઠંડીમાં પ્રકૃત્તિ પણ અદભૂત સૌદર્ય સાથે ખીલી ઉઠી છે. શીતઋતુનો આ રમ્ય માહોલ પંખીઓને મહેમાન બનવા લલચાવે છે અને અનેક પ્રવાસી પંખીઓ શિયાળુ વિઝા લઇને અહીં ધામા નાખે છે. વર્ષાઋતુના અંતે નવા નીર મળતા અહીંનો ડુંગરાળ પ્રદેશ ખીલી ઉઠે છે અને તળાવના છીછરા પાણીમાં પ્રવાસી પંખીઓ જઠરાગ્નિ ઠારવા તપ કરતા જોવા મળે છે.
શિશિરની મોસમમાં દાહોદની સુંદરતામાં પ્રેમના પ્રતિક મનાતા સારસ પંખીઓ ઉમેરો કરી રહ્યાં છે અને પક્ષીપ્રેમીઓ માટે સારસ બેલડીના મનોરમ્ય દશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. શિયાળામાં અનેક પ્રવાસી પંખીઓ દાહોદનાં મહેમાન બનતા હોય છે. જયારે સારસ પંખીઓ અહીંના જ વતની છે અને જિલ્લામાં વનવિભાગ દ્વારા ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં સારસ પક્ષીઓની વસ્તી ગણતરી આરંભાઇ હતી.
બારીયા વનવિભાગના નાયબ વન સંરક્ષક (આઇએફએસ) આર.એમ. પરમાર જણાવે છે કે, સારસ પંખીઓની દાહોદ, ઝાલોદ અને ગરબાડા ખાતે સંખ્યા નોંધાયેલી છે. હાલમાં જિલ્લામાં દાહોદ નજીક હોલિઆંબા તળાવ, ફુટેલાવ તળાવ, નાની ખરજ, બોરખેડા, પાટાડુંગરી ડેમ અને માછણનાળા ડેમ નજીકના વિસ્તારમાં જોવા મળ્યાં છે અને આજુબાજુના વિસ્તારમાં આ પક્ષીઓનો ગુંજારવ સાંભળવા મળી રહ્યો છે. ડિસેમ્બરની વસ્તી ગણતરીમાં સારસ પંખીઓની સંખ્યા 12 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.