- આઈપીએલને લઈને મોટા સમાચાર
- સપ્ટેમ્બરમાં અન્ય મેચ યોજાવાની સંભાવના
- વર્લ્ડકપ પહેલા યોજાઈ શકે છે આઈપીએલ
મુંબઈ: આ વખતની આઈપીએલમાં કેટલાક પ્લેયર કોરોનાથી સંક્રમિત થતા આગળની તમામ મેચોને રદ કરી દેવામાં આવી હતી, આ સમાચાર બાદ ક્રિકેટના રસિયાઓમાં નારાજગી પણ જોવા મળી હતી પણ હવે તેમના માટે સારા સમાચાર આવવાની સંભાવના છે.
આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. તે સમયે તમામ વિદેશી ટીમો ભારતમા જ હશે. તેવામાં જો સપ્ટેમ્બરમાં બીસીસીઆઈને વિંડો મળશે તો આઈપીએલની બાકીની મેચનું આયોજન કરવું શક્ય છે.
બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જો સપ્ટેમ્બરમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો લીગની બાકીની મેચનું આયોજન થઈ શકે છે. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના ચાર લાખથી વધુ કેસ આવી રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.
બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જો વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ હોય અને કોવિડ -19ની સ્થિતિ નિયંત્રણમાં હોય, તો T20 વર્લ્ડ કપ પહેલા ચોક્કસપણે લીગની બાકીની મેચનું આયોજન થઇ શકે છે. વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓ માટે પણ તૈયારીની સારી તક હોઈ શકે છે.
આ દરમિયાન એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ પ્રવાસ કરી શકે છે. આ સમય દરમિયાન બંને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે યુકેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની 31 મેચ યોજવાની સંભાવના અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નીતિગત નિર્ણયો વિશે વાત કરી શકે છે.