વોશિંગ્ટન, 15 જાન્યુઆરી 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવને પગલે પેન્ટાગોને વિશ્વના સૌથી શક્તિશાળી યુદ્ધ સમૂહ પૈકીના એક ‘USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ’ને મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) તરફ રી-ડાયરેક્ટ કર્યું છે. અગાઉ આ ગ્રુપ દક્ષિણ ચીન સાગરમાં તૈનાત હતું, પરંતુ બદલાતી પરિસ્થિતિને જોતા તેને ઈરાન સામે મોરચો સંભાળવા આદેશ અપાયો છે. ‘નિમિત્ઝ ક્લાસ’નું આ ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર દુનિયાના સૌથી મોટા યુદ્ધજહાજોમાંનું એક છે.
- શું છે આ યુદ્ધ સમૂહની તાકાત?
આ ‘કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ 3’ માં મુખ્ય જહાજ USS અબ્રાહમ લિંકન (CVN-72) છે, જે પરમાણુ ઉર્જાથી ચાલે છે. આનો અર્થ એ છે કે તે ઈંધણ ભર્યા વગર વર્ષો સુધી સમુદ્રમાં રહી શકે છે. આ કાફલામાં નીચે મુજબના હથિયારો અને સૈન્ય બળ સામેલ છે:
કદ અને સૈનિકો: 1 લાખ ટનથી વધુ વજન ધરાવતા આ જહાજ પર 5,000 થી 6,000 ક્રૂ મેમ્બર્સ અને સૈનિકો તૈનાત છે.
ડિસ્ટ્રોયર્સ: કાફલામાં 3 થી 4 ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર્સ (જેમ કે USS માઈકલ મર્ફી અને સ્પ્રુએન્સ) સામેલ છે.
પરમાણુ સબમરીન: સમુદ્રની અંદરથી હુમલો કરવા માટે ‘વર્જિનિયા’ અથવા ‘લોસ એન્જલસ’ ક્લાસની 1-2 ન્યુક્લિયર એટેક સબમરીન પણ સાથે છે.
- હવામાંથી કહેર વર્તાવતા ફાઈટર જેટ્સ
જહાજ પર રહેલા ‘કેરિયર એર વિંગ 9’ માં અંદાજે 65 થી 70 અત્યાધુનિક વિમાનો છે, જે દિવસ-રાતમાં 150 થી વધુ ઉડ્ડયનો (Sorties) ભરી શકે છે:
F-35C લાઈટનિંગ II: દુનિયાના સૌથી આધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ જે દુશ્મનને દેખાયા વગર હુમલો કરે છે.
F/A-18E/F સુપર હોર્નેટ: હવાઈ લડાઈ અને જમીન પર હુમલો કરવામાં માહિર મલ્ટી-રોલ ફાઈટર.
EA-18G ગ્રોલર: આ ઈલેક્ટ્રોનિક યુદ્ધ જહાજ દુશ્મનના રડાર અને કોમ્યુનિકેશન સિસ્ટમને જામ કરી દે છે.
- સૌથી ઘાતક હથિયાર: ટોમાહોક મિસાઈલ
આ યુદ્ધ સમૂહની સૌથી મોટી તાકાત તેની પાસે રહેલી સેંકડો ટોમાહોક મિસાઈલો છે. આ મિસાઈલો 1,000 કિમીથી વધુ દૂર બેસીને દુશ્મનના એરબેઝ, ઓઈલ રિફાઈનરી કે ન્યુક્લિયર સાઈટ્સને નષ્ટ કરી શકે છે. સુરક્ષા માટે આ જહાજ સી-સ્પેરો અને SM-6 જેવી બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પણ સજ્જ છે.
તજજ્ઞોના મતે, આ બેડાની હાજરીથી હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્વના જળમાર્ગો પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ આવી જશે, જે ઈરાન માટે મોટી ચેતવણી સમાન છે.
આ પણ વાંચોઃઅયોધ્યામાં મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી: રામલલાને અર્પણ કરાઈ પતંગ

