Site icon Revoi.in

વલ્લભીપુર તાલુકામાં નર્મદા કેનાલના રિપેરિંગ માટે કરોડો ફાળવાયા, કામ શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

Social Share

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ જર્જરિત બની ગઈ છે. આ કેનાલના રિપેરીંગ કામ માટે ગુજરાત સરકારે રૂપિયા 22 કરોડની રકમ મંજુર કરી હોવા છતાં કોઇપણ કારણસર મરામતનું કામ હાથ ધરવાની કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. તાલુકાના મોટાભાગના ગામડાઓમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. જે હાલ અમુક ગામડાઓમાં ખેડુતોને પિયત માટે ઉપયોગી બની રહી છે તો અમુક ગામડાઓમાં હજુ કેનાલમાં પાણી આવ્યું નથી. તાલુકામાં કેનાલનું કામ પૂર્ણ થયાને ઘણાં વર્ષો વીતી ગયા હોય ઘણી જગ્યાએ કેનાલ વગર પાણીએ જેમની તેમ રહેતા બિન ઉપયોગી હાલતમાં  તુટી ગઇ છે. કેનાલોનું નબળું બાંધકામ પણ જવાબદાર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વલ્લભીપુર તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલ અને પેટા કેનાલો બનાવવામાં આવી છે. જેમાં હજુ નર્મદાના નીરના દર્શન થાય તે પહેલા જ કેનાલ તૂટી ગઈ છે. કેનાલોની બન્ને સાઈડની દીવાલો તૂટી ગઈ છે. તેમજ માટી પણ ઘસી પડેલી જોવા મળી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર દ્વારા તુટેલી કેનાલને રીપેરીંગ કરવા માટે આશરે રૂ.22 કરોડ જેટલી રકમ મંજુર કરી છે તેમ છતાં હજુ સુધી કોઇ કારણોસર રિપેરીંગ કામ હાથ ધરવામાં આવતુ નથી. સબંધિત તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી શરૂ નહી કરવામાં આવતા આ બાબતે વલ્લભીપુર તાલુકા ભા.જ.પ.પ્રમુખ પ્રદ્યુમનસિંહ એમ.ગોહિલ દ્વારા આ પ્રશ્ન તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ અંતર્ગત સ્થાનિક કક્ષાએ લેવાતા અધિકારીઓમાં ચર્ચાનો વિષય બનેલ છે. સરકાર રીપેરીંગ માટે રકમ મંજુર કરે છે પરંતુ કામ કોઇપણ કારણોસર શરૂ થયું નથી. જેથી અટકી ગયેલું કામ લાંબા સમયથી ખોરંભે પડે છે. અને તાલુકાના ખેડુતોને સિંચાઈનો લાભ મળતો નથી.