Site icon Revoi.in

‘સીમા પારના આતંકવાદ’ સામે લડવા માટે ‘ક્રોસ બોર્ડર કોઓપરેશન’ ખૂબ જ મહત્વપૂર્ણ : અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ઈન્ટરપોલના અધ્યક્ષ અને સીબીઆઈના ડાયરેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, ‘સીમા પારના આતંકવાદ’ સામે લડવા માટે ‘ક્રોસ બોર્ડર કોઓપરેશન’ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આજનો દિવસ ભારતીય પોલીસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત આ તારીખને પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવે છે. તેમણે કહ્યું કે, 35,000 પોલીસકર્મીઓએ ભારતની એકતા અને લોકશાહીની રક્ષામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને અમે ભારતીયો આ દિવસે અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમણે કહ્યું કે કોવિડની મહામારી પછી ઈન્ટરપોલની આ મહાસભાનું સંગઠન પોતાનામાં જ મહત્વપૂર્ણ છે. વિશ્વએ કોવિડ રોગચાળામાં ‘પોલીસ’નો માનવ ચહેરો અનુભવ્યો છે અને માનવ ચહેરો જોયા પછી આખી દુનિયાએ પોલીસ માટે પોતાનો વિચાર બદલી નાખ્યો છે.

અમિત શાહે કહ્યું કે, છેલ્લા 100 વર્ષમાં ઈન્ટરપોલ વિશ્વના 195 દેશોનું એક વ્યાપક અને અસરકારક મંચ બની ગયું છે, જે સમગ્ર વિશ્વમાં ગુનાઓ પર કડક કાર્યવાહી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારત ઈન્ટરપોલના સૌથી જૂના સભ્યોમાંનું એક છે ભારત 1949થી ઈન્ટરપોલ સાથે સંકળાયેલું છે.

આજના વિશ્વમાં સહયોગ અને બહુપક્ષીયતા માટે ઇન્ટરપોલ જેવું પ્લેટફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ અને આવશ્યક છે. ભારત સરકાર, ગૃહ મંત્રાલય અને વિવિધ ભારતીય પોલીસ દળો જાહેર સુરક્ષા, વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે ઇન્ટરપોલના સાર્થક પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ભારત માટે નવી વાત નથી. કદાચ સૌ પ્રથમ, ભારતમાં ફોજદારી ન્યાય પ્રણાલી પર ચિંતન અને ચિંતા બંને શરૂ થયા છે. જ્યારે પણ રાજ્યની કલ્પના કરવામાં આવી ત્યારે પોલીસ તંત્ર કદાચ રાજ્યની પ્રથમ મહત્વની કામગીરી તરીકે ઉભરી આવ્યું હશે અને નાગરિકોની સુરક્ષા એ કોઈપણ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે.

તેમણે કહ્યું કે, ભારતીય વિચારધારામાં ન્યાયશાસ્ત્ર અને સજાનું ઊંડું પ્રતિબિંબ છે. “સહયોગી ન્યાય અને યોગ્ય સજા” ના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે. શાહે કહ્યું કે મહાભારતના શાંતિપર્વમાં અધ્યાય 15નો શ્લોક છે, જેનો અર્થ થાય છે કે, “ગુનેગારોને કાબૂમાં રાખવા માટે દરેક અસરકારક અને સફળ સરકારી સિસ્ટમનો ન્યાય પ્રણાલી એ એક મહત્વપૂર્ણ ભાગ છે. ન્યાય એ સમાજમાં સુશાસનની ખાતરી આપે છે. જો ન્યાય માટે રાત્રિના સમયે જાગરણ કરવામાં આવે તો જ નાગરિકો અને સમાજ નિર્ભય રહે છે અને સારા સમાજનું નિર્માણ થાય છે.