Site icon Revoi.in

અમદાવાદમાં નવરાત્રીના પ્રારંભ સાથે બજારોમાં હૈયેહૈયું દળાય એવી ભીડ, વેપારીઓ ખૂશખૂશાલ

Social Share

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે મહિનો પણ બાકી નથી રહ્યો ત્યાં બજારોમાં ઘરાકી નિકળતા વેપારીઓ પણ ખૂશખૂશાલ બન્યા છે.  બજારોમાં લાંબા સમય બાદ રોનક પાછી આવી છે અને કોરોના કાળ પછી ધીરે ધીરે સેટ થઇ રહેલા બજારોમાંથી મંદી હવે દૂર થઇ હોય તેમ લાગી રહ્યું છે. તમામ વેપારીઓ માની રહ્યા છે કે જો આવી તેજી દિવાળી સુધી રહે તો ઘણી નુકસાની કવર થઇ શકશે. અમદાવાદમાં ત્રણ દરવાજા, માણેકચોક, રતનપોળ, રિલિફ રોડ તેમજ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલા મેગામોલમાં પણ ગ્રાહકોની ખૂબજ ભીડ જોવા મળી રહી છે.

કોરોનાનું જોર ઘટતાં હવે ધીરે ધીરે બજાર સેટ થઇ રહ્યા છે. કાપડ બજારના વેપારીઓને મોટા ઓર્ડર મળતા થયા છે. દુનિયાભરના દેશોએ કેમિકલ મટિરિયલ માટે ચાઇનાના વિકલ્પ તરીકે ભારત પર પસંદગી ઉતારતાં કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ તેજી જોવા મળી રહી છે. લોકો સોનાના ચાંદીની ખરીદી કરવા લાગ્યા હોવાથી સોની બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ નવરાત્રિથી તમામ વેપાર-ધંધામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓ તમામ પ્રકારની તકેદારી સાથે વેપાર ધંધો કરવા ઉત્સુક છે અને આવી જ તેજી કાયમ રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે.

નવરાત્રિમાં લોકો મા શક્તિની પૂજા અર્ચના અને આરાધના કરતા હોય છે. દરેક સોસાયટી અને શેરીઓમાં માંડવીઓ બંધાઇ ગઇ છે. માતાજીના પૂજન માટે ફૂલ અને હારની જરૂરીયાત હોઇ ફૂલબજારમાં સવારથી જ ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ ઉપરાંત હોટલ અને રેસ્ટરન્ટ સાથે સંકળાયેલા દિલીપ ઠક્કરના કહેવા મુજબ લગભગ બે વર્ષે લોકોને નવરાત્રિમાં ગરબે ઘૂમવા મળશે અને મોડી રાત્રે મિત્ર કે ગ્રૂપ સાથે મનગમતા નાસ્તા કરવા મળશે. તેથી સ્ટ્રીટ ફૂડ અને હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે.

શ્રાદ્ધ પક્ષમાં વાહનોના શો રૂમ પર ગ્રાહકોનો ધસારો નહીંવત જોવા મળ્યો હતો. લોકો ઇન્ક્વાયરી માટે આવતા હતા, વાહન નોંધાવતા પણ હતા પરંતુ ડિલિવરી પહેલી નવરાત્રિએ જ લેવાનો આગ્રહ રહેતો હતો. લગભગ 16 દિવસ સુધી તમામ ટુવ્હીલર અને ગાડીઓના શો રૂમ પર માંડ એકાદ કાર કે ટુ વ્હીલર વેચાયા હતા. પ્રથમ નવરાત્રિએ મોટા પ્રમાણમાં બાઇક, સ્કૂટર, મોપેડ તથા બેઝિકથી લઇને લક્ઝુરીયસ કારના વેચાણ થયા હતા.

 

Exit mobile version