અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનું ભારત ઉપર તોડાઈ રહેલુ સંકટ ટળ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ચક્રવાત ભારતીય દરિયાકાંઠાથી દૂર રહેશે કારણ કે તે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ વાવાઝોડાની ગતિ 3 દિવસમાં વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેના પરિણામે તંત્રને એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. સમુદ્રની સપાટીનું તાપમાન ગરમ થવાને કારણે ચક્રવાત શક્તિશાળી બની રહ્યાં હોવાનું હવામાન વૈજ્ઞાનિકો માની રહ્યાં છે.
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને IMD પુણેના વડા ડૉ. કે.એસ. હોસાલિકરના જણાવ્યા અનુસાર અત્યારે ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની સંભાવના જોવા મળી રહી નથી. આગાહી સૂચવે છે કે ચક્રવાત દરિયાકાંઠાથી દૂર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને પશ્ચિમ કિનારે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ, કારણ કે દરિયામાં ભારે તોફાન છે.’ પૂર્વ-મધ્ય અરબ દરિયામાં ‘ખૂબ જ ગંભીર’ ચક્રવાતી તોફાન ચાલુ છે. દરિયામાં 135-145 કિ.મી. પ્રતિ કલાકથી 160 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 10 જૂન સુધીમાં પવનની ઝડપ 170 કિ.મી. પ્રતિ કલાકે પહોંચવાની શક્યતા છે.
વાવાઝોડુ ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધવાની શકયતા છે. આમ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડા ત્રાટકવાની શક્યતાઓ નહીં હોવાથી તંત્રએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે. જો કે, આ વાવાઝોડાને પગલે બંને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.