Site icon Revoi.in

બનાસકાંઠામાં કમોસમી વરસાદને લીધે કપાસ, વરિયાળી અને એરંડા સહિત ખેતીપાકને નુકશાન

Social Share

પાલનપુરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં સર્જાયેલી માવઠાની આફત સમી ગઈ છે, પણ શનિવાર અને રવિવારે પડેલા માવઠાએ કેટલાક વિસ્તારોમાં કૃષિપાકને નુકશાન પહોંચાડ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખેતી પાકમાં નુકસાન થયું છે. માવઠાથી  એરંડા, કપાસ, વરીયાળી જેવા પાકોમાં ભારે નુકસાન થયું  હોવાનું ખેડુકો કહી રહ્યા છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતોએ એરંડાની ખેતી કરી હતી, જોકે, વરસાદના કારણે એરંડા મોટા પાયે તૂટીને જમીનદસ્ત થઈ જવાના કારણે નુકાસન થતાં ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગત વર્ષે બિપોરજોય’ વાવાઝોડાએ ખેડુકોને વેરવિખેર કરી નાખ્યા હતા, જિલ્લામાં કૃષિપાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. જે બાદ ખેડૂતો થોડાક બેઠા થયા હતા, પરંતુ શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ફરી મોટા પાયે નુકસાન થયું છે. ક્યાંક વીજળી પડવાના કારણે અબોલ પશુઓના મૃત્યુ થયાં છે. જિલ્લાના અમીરગઢ તાલુકામાં ખેડૂતોએ રવિ સિઝનમાં એરંડા, વરીયાળી કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું હતું પરંતુ રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે એરંડા વરીયાળી કપાસના પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. અરનીવાડા ગામમાં એક ખેડૂતે ચારથી પાંચ વીઘામાં એરંડાની ખેતી કરી હતી કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે એરંડા જમીનદસ્ત થઈ ગયા છે, તો બીજી તરફ વરિયાળી કપાસ જેવા પાકોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે, જેથી ખેડૂતોએ સરકાર તરફથી સહાય મળે એવી આશા રાખી રહ્યા છે.

અમીરગઢ તાલુકાના ખેડુતોના કહેવા મુજબ  માવઠાને કારણે ખેડુતોને સારૂએવું નુકશાન થયુ છે. એરંડાનો પાક વરસાદ અને પવન આવવાના કારણે ભાંગીને નષ્ટ થઈ ગયો છે, ઉપરાંત કપાસ અને વરિયાળીના પાકને પણ સારૂએવું નુકશાન થયું છે. જિલ્લાના તમામ તાલુકામાં આવી સ્થિતિ છે.