Site icon Revoi.in

સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે તા. 20 જાન્યુઆરીથી ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો આ મંદિર વિશે

Social Share

મહેસાણા જિલ્લાના સુવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે. મોઢેરા સૂર્યમંદિરને યુનેસ્કોએ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની ટેન્ટેટીવ યાદીમાં સ્થાન આપ્યું છે. મોઢેરા સૂર્યમંદિરે વિશ્વ કક્ષાએ નામના મેળવી છે. દર વર્ષે યોજાતા ઉતરાર્ધ મહોત્સવે વૈશ્વિક કક્ષાનો મહોત્સવ બન્યો છે.

વિશ્વ વિરાસત સ્થળ:સૂર્યનગરી મોઢેરા”      

મહેસાણાથી આશરે 25 કિ.મી.ના અંતરે આવેલું સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિર ગુજરાતને સોલંકીઓના શાસનથી સૂવર્ણશક્તિ પ્રદાન છે.સોલંકીયુગના આ સૂર્યમંદિરના ગર્ભગૃહમાં ભીંતમાં સંવત 1083 નો શિલાલેખ છે એ પરથી સ્પષ્ટ વંચાય છે કે આ મોઢેરા સૂર્યમંદિરની સ્થાપના ઈ.સ. 1027માં  સોલંકી યુગના પ્રતાપી રાજા ભીમદેવ પહેલાનાં સમય (1022 થી 1066)માં થઈ હશે. મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નામની નદીના ડાબા કિનારે મોઢેરા ગામમાં નિર્માણ થયું છે.પૌરાણિક સમયમાં મોઢેરા તીર્થસ્થાન ગણાતું હતું.

વાસ્તુ કલાનો ઉત્તમ નમૂનો અને શિલ્પ સ્થાપત્યના માઇલ સ્ટોન ગણાતા મોઢેરા સૂર્યમંદિર પાસેથી કર્કવૃત્ત પસાર થાય છે. 21મી જૂન અને 22મી ડિસેમ્બર સૂર્યની પ્રથમ કિરણોનો સૂર્યમંદિરમાં સ્પર્શ થાય છે.સોલંકી કાળના મંદિરો બન્યા છે તેમાં સૌથી મોટું મંદિર ગણાય છે. જેમાં રામાયણ અને મહાભારતની પૌરાણિક કથાઓ સહિત ઐતિહાસિક અને ધાર્મિક તેમજ સામાજિક સંસ્કૃતિના દર્શન થાય છે. ભારતના ત્રણ સૂર્ય મંદિરો પૈકી ઓરિસ્સામાં આવેલું કોણાર્ક અને કાશ્મીરનું માર્તંડ મંદિર ગુજરાત રાજ્યના મહેસાણામાં આવેલું મોઢેરા સૂર્યમંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. જેમાં મોઢેરા સૂર્યમંદિર વર્લ્ડ હેરિટેજ સાઈડમાં હંગામી ધોરણે સ્થાન પામ્યું છે. સરકાર દ્વારા આ મંદિરમાં  ઉત્તરાર્ધ મહોત્સવ પણ મનાવવામાં આવે છે.

મંદિરની સ્થાપત્ય કળા:-   

મંદિરની રચના ચાલુક્ય શૈલીમાં(સોલંકી શૈલી) કરવામાં આવી છે. સૂર્યમંદિરમાં હાલ ગર્ભગૃહ, રંગમંડપ , ગૂઢમંડપ સાથે શિખર વગર ઉભું છે. આ પરિસરની કુલ લંબાઇ લગભગ 145 ફુટ છે.ગર્ભગૃહ અને ગૂઢમંડપ બંને 80 ફુટ લંબાઇ અને 50 ફૂટ પહોળાઇમાં સમાઈ જાય છે.સભામંડપ લગભગ 50 ચોરસ ફૂટનો છે.ઉપરાંત સભામંડપ અને ગૂઢમંડપ વચ્ચેની જગ્યા ગર્ભગૃહનો અંદરનો ભાગ 11 X 11 ચોરસનો છે.ગર્ભગૃહમાં હાલ મૂળ સુર્ય મૂર્તિ નથી, પણ તે જગ્યાએ ખાડો પડેલો છે. જેમાં મૂળ મૂર્તિની બેઠક પડેલી છે.એક માન્યતા એવી છે કે મૂળ મૂર્તિ ૫ ફૂટ ઊંચી હશે.ગર્ભગૃહ બે માળનું હશે.

રંગમંડપો અદભૂત શિલ્પ કોતરણીથી કંડારાય છે અને સભામંડપનાં પગથિયાં ઉતરતાં જ બે મોટા સ્તંભ નજરે પડે છે.જે ભવ્ય તોરણના ભાગ છે.પાસે જ સૂર્યકુંડ છે એને રામકુંડ છે.કુંડ 176 ફૂટ x 120 ફૂટનું વિશાળ સ્થાપત્ય છે. શિલ્પના કંડારકામ તેમજ સ્થાપત્ય રચના જોતાં એમ જરૂર લાગે છે કે તોરણ કરતાં મૂળ મંદિર અને કુંડ વધારે જૂનાં છે.

શિખરના અવશેષો તેમજ કુંડ ઉપરનાં ચારેય ખૂણે આવેલા લતિન પ્રકારનાં શિખરો 11મી સદી સૂચવી જાય છે. રંગમંડપનાં શિલ્પો મૂળ મંદિરનાં શિલ્પ કરતાં ઓછાં જીવંત છે, ઓછાં આબેખૂબ છે, તેમ જ રચનામાં પણ રંગમંડપ ગૂઢમંડપ કરતાં 1 ફૂટ નીચો છે. આ મંદિર શિલ્પીઓનું ભવ્ય સ્વપ્ન છે અને તે મંદિરના અંગે અંગમાં સાકાર થાય છે. બેનમૂન અને જીવંત શિલ્પથી મંદિર ખીચોખીચ ભરેલું છે, જે જોતાં સ્પષ્ટ થાય છે કે મંદિરના પીઠભાગમાં જ મંડપકુંભ ઉપર કમળપત્રનું સુશોભન સુંદર છે. વૈદીબંધ’ના ‘કુંભ’, ‘અર્ધરત્ન’ અને ‘અર્ધકમળ’ના સુશોભનથી કંડારેલ છે. પીઠમાં ગ્રાસપટ્ટી, ગજથર અને નરથર સુંદર છે.

સાંસ્કૃતિક મહત્વ:- મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ”      

સંગીત, નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમ ઉત્તરાર્ધ ઉત્સવમાં દર્શક સાક્ષી બનવું અનેરો લ્હાવો છે. પુષ્પાવતી નદી, મોઢેરાનું સૂર્યમંદિર અને નૃત્યકારોના ઘુંઘરૂના ઘમકારથી નૃત્યના રસીકો, પ્રવાસના શોખીનો અને ઇતિહાસના મર્મજ્ઞો માટે આ મહોત્સવ પ્રવાસ,ઉત્સવ અને મોઢેરા તથા મહેસાણા જિલ્લાના અન્ય સ્થળોની મુલાકાત ચીરસ્મરણીય બની રહે છે.

મોઢેરાનાં સૂર્યમંદિરમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ પછીના બે દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉત્તરાર્ધનું ખૂબ મહત્વ રહેલું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પ્રગાઢ સંબંધ છે. ઉત્તરાયણના આરંભમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે પછી તે કુંભ,મકર અને મીન એ ત્રણ રાશિઓમાં થઇને ઉત્તરાયણમાં વિષુવવૃત્તની ગતિમાં જાય છે. સૂર્ય રાશિમાં આવે ત્યારે દક્ષિણાયન અને મકર રાશિમાં પ્રવેશે ત્યારે ઉત્તરાયણ કહે છે. ઉત્તરાયણમાં સૂર્યની ગતિ ધીમી હોય છે.પ્રાચીન સમયમાં સોલંકીયુગમાં સૂર્યના સાનિધ્યમાં નૃત્યોનો આવિષ્કાર થયેલ હતો.સુપ્રસિધ્ધ મોઢેરાના સૂર્યમંદિરના રંગમંડપમાં સોલંકીકાળમાં આવા નૃત્યની પરંપરા હતી.

આવી ઉજળી સાંસ્કૃતિક પરંપરાને જાળવવા રાજ્ય સરકાર મોઢેરા ખાતે સૂર્યમંદિરના સાંનિધ્યમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરે છે.નૃત્ય એટલે આત્માનું સંગીત,ઉર્મિલા અતિરેકને કારણે લય, તાલ, શરીરનાં હલનચલન અને અભિનય દ્વારા વ્યક્ત થાય છે જેમ જેમ નૃત્યકલા શાસ્ત્રીય અને પધ્ધતિસર થતી ગઇ તેમ તેમ તે સંસ્કૃત સૌંદર્યને ખીલવતી ગઇ. નૃત્યનો મુખ્ય હેતુ સનાતન સત્યોની સૌંદર્ય દ્વારા પ્રતીતી કરાવવાનો છે.

ગુજરાતી લોકકલા એ શારીરિક ઉર્મિઓને વધુ સંસ્કૃત અને ઉન્નત સ્વરૂપ આપી પરમાત્માને ચરણે રજૂ કરી કલા અને સૌંદર્ય દ્વારા પરમાત્મા સ્વરૂપ સાથે એકતાનું સાધન છે. હજારો વર્ષો થયાં છતાં આપણાં સાંસ્કૃતિક નૃત્યો પવિત્ર સ્વરૂપમાં જળવાઇ રહ્યા છે. ભારતનાં શિષ્ટ નૃત્યોમાં ભારતનાટટ્યમ,કથ્થક,કથકલી અને મણિપુરી એમ ચાર મુખ્ય નૃત્યોને રજૂ કરવામાં આવતા હોય છે.

સંસ્કારોના આદાન પ્રદાન અને સંગીત અને નૃત્ય જેવી કલાઓનાં ખજાનાથી ભરપૂર  ગુજરાત રાજયની પ્રજાને પારંપારિક ઉજવણીમાં સતત ભાગીદાર રાખવા ઉજવાતા મોઢરાના ઉત્તરાર્ધ ઉત્સવમાં રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ અને મહેસાણા જિલ્લાનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું છે.

મોઢેરા ભારતનું પ્રથમ સોલર ગામ:-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 9 ઓકટોબર 2022ના રોજ ભારતનું પ્રથમ સોલર ગામ જાહેર કરવામાં આવ્યું હતું. ગામના તમામ ઘરો સોલર પેનલથી યુક્ત છે અને ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણ સંરક્ષણનું કાર્ય થઇ રહ્યું છે.

લાઇટ એન્ડ સાઉન્ડ શો:-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 9 ઓકટોબર 2022ના રોજ મોઢેરા મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો ની શરૂઆત કરી છે.આ ‘શો’ ની શરૂઆત થવાથી પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે.