ઢાકા, 21 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. 20 જાન્યુઆરી ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ મુદત પૂરી થતાની સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે, પરંતુ તેની સાથે જ રાજકીય ગઠબંધનોમાં મોટા પલટા જોવા મળી રહ્યા છે.
ચૂંટણી પહેલા જ વિપક્ષી છાવણીમાં મોટું ભંગાણ પડ્યું છે. ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ (IAB) એ કટ્ટરપંથી પક્ષ જમાત-એ-ઇસ્લામી સાથેનું પોતાનું જોડાણ તોડી નાખવાની જાહેરાત કરી છે. IAB ના પ્રવક્તા ગાઝી અતાઉર રહેમાનના જણાવ્યા અનુસાર, જમાત-એ-ઇસ્લામી સાથેના ગંભીર વૈચારિક મતભેદો અને બેઠકોની વહેંચણીમાં અન્યાયને કારણે આ નિર્ણય લેવાયો છે.
હવે ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ 300 બેઠકોવાળી સંસદમાં લગભગ 268 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે, જે ઇસ્લામિક મતોનું વિભાજન કરી શકે છે. મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હેઠળ યોજાનારી આ પ્રથમ ચૂંટણી છે. શેખ હસીનાના સત્તાપલટા બાદ આ દેશની પ્રથમ મોટી લોકશાહી પ્રક્રિયા છે. જોકે, આવામી લીગની ગેરહાજરી અને લઘુમતીઓની સુરક્ષા જેવા મુદ્દાઓ ચર્ચામાં છે.
હવે મુખ્ય મુકાબલો ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે રહેવાની શક્યતા છે. 12 ફેબ્રુઆરીએ 300 સંસદીય બેઠકો માટે મતદાન થશે, જેની સાથે જ દેશના ભવિષ્યનો નિર્ણય થશે.

