Site icon Revoi.in

ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનું ડેડલી કોકટેલ: મોર્નિંગ વોક બનશે જોખમી

Social Share

ઉત્તર ભારત સહિત સમગ્ર દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. આ ગગડતો પારો અને ગાઢ ધુમ્મસ વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ ગંભીર ચેતવણી જાહેર કરી છે. ડોક્ટરોના મતે, જે વિસ્તારોમાં ઠંડીની સાથે પ્રદૂષણ અને ધુમ્મસનું પ્રમાણ વધુ છે, ત્યાં વહેલી સવારે મોર્નિંગ વોક કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સ્થિતિ હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધારી દે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શિયાળામાં શરીર પોતાનું તાપમાન જાળવી રાખવા માટે લોહીની નળીઓને સંકોચી દે છે. આ પ્રક્રિયાને કારણે બ્લડ પ્રેશર (BP) વધે છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જો આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ કડકડતી ઠંડીમાં બહાર જાય, તો હૃદય પર ડબલ સ્ટ્રેસ પડે છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

તબીબોના મતે, અત્યારે મોર્નિંગ વોકથી બચવું જોઈએ, પરંતુ નીચે મુજબના લોકોએ તો બિલકુલ બહાર ન નીકળવું જોઈએ.

હૃદયના દર્દીઓ: જેમને અગાઉ એટેક આવ્યો હોય અથવા હૃદય નબળું હોય, તેમના માટે ઠંડી જીવલેણ સાબિત થઈ શકે છે.

હાઈ બીપીના દર્દીઓ: બ્લડ પ્રેશર વધવાથી નળીઓ ફાટવાનું કે એટેકનું જોખમ રહે છે

વૃદ્ધો: વધતી ઉંમરે ઠંડી સહન કરવાની શક્તિ ઓછી હોય છે, જેનાથી હાર્ટ રિધમ બગડી શકે છે.

તબીબોના મતે, હાર્ટ પેશન્ટ અને વૃદ્ધો સિવાયના લોકો વોક કરી શકે છે, પણ કેટલીક શરતો સાથે. વહેલી સવારે (6 થી 7 પહેલા) વોક કરવાનું ટાળો. સૂર્યપ્રકાશ નીકળ્યા પછી જ બહાર જાઓ. માથું અને છાતી ગરમ કપડાંથી ઢંકાયેલા રાખો. શરીર ગરમ ન હોય ત્યાં સુધી અચાનક દોડવાનું કે ઝડપથી ચાલવાનું શરૂ ન કરો. શક્ય હોય તો ઘરની અંદર જ યોગ અથવા વોકિંગ કરો.

વોકિંગ દરમિયાન જો નીચેનામાંથી કોઈ પણ સંકેત મળે, તો તરત જ થોભી જાઓ અને ડોક્ટરનો સંપર્ક કરો.

ચાલતા સમયે અચાનક શ્વાસ ફૂલવો.

છાતીમાં તીવ્ર દુખાવો કે દબાણ અનુભવવું.

પરસેવો વળવો (ઠંડી હોવા છતાં).

ચક્કર આવવા અથવા અંધારા આવવા.

Exit mobile version