Site icon Revoi.in

પાલનપુરમાં ભૂંરાટી થયેલી ગાયે અડફેટમાં લેતા ઘરે જઈ રહેલા નિવૃત શિક્ષકનું મોત

Social Share

પાલનપુરઃ શહેરમાં હનુમાન ટેકરી નજીક એક નિવૃત્ત શિક્ષક સંબંધીના ઘરેથી પોતાના  ઘર તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે ભૂરાટી થયેલી ગાય લોકોને અડફેટે લેતી હતી તેવા દ્શ્યો જોઈને નિવૃત શિક્ષક પોતાનું એક્ટિવા બાજુમાંથી લઇ ભાગ્યા હતા. ત્યારે ગાય પણ તેમની પાછળ ભાગતાં શિક્ષક નજીકની સોસાયટીમાં પહોંચ્યા ત્યારે ગાયે તેમને એક્ટિવા ઉપરથી પછાડીને પગ અને શિંગડાં મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જેમને 108 મારફત સારવાર અર્થે ખસેડાતાં સારવાર મળે તે પહેલાં જ શિક્ષકનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  પાલનપુર શહેરના ગોબરી રોડ નજીક આવેલા શ્રીરામનગર સોસાયટીમાં રહેતા  નિવૃત્ત શિક્ષક દશરથભાઈ લીમ્બાચીયા પોતાનું એક્ટિવા નંબર જીજે-08-એએસ-5586 લઈને હાઇવે ઉપર બિહારીબાગની સામે એક હોસ્પિટલમાં બીમાર સંબંધીની ખબર લેવા નીકળ્યા હતા. ત્યારબાદ ઘરે પરત આવતાં હતા. દરમિયાન હનુમાન ટેકરી એગોલા રોડ પર આવતા અચાનક રસ્તામાં ભૂંરાટી થયેલી ગાય લોકોને મારતી હતી. ત્યારે દશરથભાઈ તે જોઇ ગાયની બાજુમાંથી એક્ટિવા પુરઝડપે લઇ નિકળ્યા હતા ત્યારે ગાયે પીછો કરતાં તેઓ હાઇવેની નિલકંઠ સોસાયટીમાં ઘૂસ્યા હતા જ્યાં સામેથી કોઇ રસ્તો ન આવતા તેઓ અટવાયા હતા. ત્યારે ગાયે તેમને એક્ટિવા ઉપરથી ઉછાળી નીચે પાડી પગ નીચે કચડી અને શિંગડા મારી શરીરે ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ બનાવથી આજુબાજુના લોકોએ દોડી આવી ગાયને ભગાડી દશરથભાઈને બચાવી 108 દ્વારા સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં દશરથભાઈ લીમ્બાચીયાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.નોંધનીય છે કે પાલનપુર શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વધવા લાગ્યો છે. જ્યાં અવાર-નવાર વાહનચાલકો સહિત રાહદારીઓને અડફેટે લેતા હોય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂંરાટી થયેલી ગાયએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી એગોલા રોડ નજીક રહેતા પૂર્વ નગરસેવક અતુલભાઈ ચોક્સીએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી તેમજ બજરંગ યુવક મંડળના સભ્યો આવીને ત્રણ કલાકની મહા મહેનતે ગાયને પકડતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાન એગોલા રોડના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘આ ગાય છેલ્લા એક માસથી અહીંથી ચાલતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અડફેટે લે છે. આ અંગે નગરપાલિકામાં મૌખિક રજુઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી. જેને લઈ આજે એક વૃદ્ધને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે.’

અત્રે ઉલ્લેખનીય છે. કે, રાધનપુર શહેરમાં મીરાં દરવાજા પાસે 21 દિવસ અગાઉ મોડી સાંજે આખલાની અડફેટે 18 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતુ.જ્યાં ફરી પાલનપુરમાં ગાયે શિક્ષકને મારી નાખતાં અરેરાટી પ્રસરી છે.