Site icon Revoi.in

OBC અનામત જાહેર કરીને ચોમાસા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા વિચારણા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારને કલ્પેશ ઝવેરી પંચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી જ્ઞાતિઓ માટે અનામત બેઠકના ધોરણો નક્કી કરવા અંગેનો અહેવાલ સોંપી દીધો છે.  હવે ગુજરાત સરકાર આ અહેવાલનો અભ્યાસ કરીને  ટુંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરશે.  રાજ્યમાં  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ, ઓબીસી અનામતને કારણે મુલત્વી રહી હતી. એટલે સરકાર હવે ચોમાસા પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ કરી દેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કર્ણાટકની વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જ્યારે પૂરેપૂરો વેગવંતો બને તે દરમિયાન જ આ અહેવાલને આધારે અનામતના ધોરણો અંગેનું જાહેરનામું બહાર પડી જશે. આ કિસ્સામાં ભાજપ રાજકીય અને સામાજિક સમીકરણોને આધારે કર્ણાટકની ચૂંટણીમાં પણ લાભ લેવા માગે છે.  ભાજપ ઓબીસી વિરોધી નથી એવો સંદેશ લોકોને આપશે. કર્ણાટકમાં ઓબીસી મતદાતાઓનો સમુદાય ખૂબ પ્રભાવી હોવાથી ભાજપ આ કાર્ડ ખેલી શકે છે.આ અહેવાલમાં ઓબીસી જ્ઞાતિની વસતીને આધારે અનામતનું ધોરણ નક્કી કરી શકાય તે રીતે માર્ગદર્શિકા આપવામાં આવી છે. મહદઅંશે આ ધોરણ 18 ટકા અનામતની આસપાસ રહી શકે છે. કુલ બેઠકોની સાપેક્ષે અનામત બેઠકોનું પ્રમાણ 49 ટકાથી વધે નહીં તે ધ્યાને લેવાનું રહેશે.
​​​​​​​
​​​​​ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગ કરી છે કે, વડાપ્રધાન ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઓબીસી અનામત ફાળવવામાં આવે તેવી દરમિયાનગીરી કરે. તેમણે એવી પણ માગણી કરી છે કે,દેશમાં જાતિ આધારિત જનગણના થાય. ઉપરાંત ઓબીસી સમાજને જનસંખ્યા પ્રમાણે બજેટ ફાળવવામાં આવે તેમજ એસસી, એસટી, ઓબીસી અને માઇનોરીટી સમાજ માટે બનાવાલેયા બોર્ડ-નિગમમાં વધુ બજેટની ફાળવણી કરવામાં આવે તેવી માગ કરી છે.