- બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી: ડીસાની ત્રણ પેઢીઓમાંથી ઘીના નમૂના લઈ તપાસ હાથ ધરાઈ
- તંત્ર દ્વારા ૧૪૪૪ કિલોગ્રામ ઘીનો અંદાજિત રૂ. ૮,૨૮,૪૯૦/- કિંમતનો જથ્થો જપ્ત કરાયો
પાલનપુર, 11 મે, 2026 – ડીસામાં ‘પરિવાર’, ‘કવિરાજ’ અને ‘શ્રેષ્ઠ’ નામ ધરાવતા ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે શંકાસ્પદ ઘીની તપાસ અંગે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિનિયર ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી એચ.વી. ગુર્જર તેમજ ફૂડ સેફટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર અને કુ. ઇ.એસ. પટેલ દ્વારા ડીસા વિસ્તારમાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી જુદી જુદી ત્રણ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા ઘીના કુલ ચાર નમૂના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યા હતા. તેમજ કુલ ૧૪૪૪ કિલોગ્રામ ઘીનો અંદાજિત રૂ. ૮,૨૮,૪૯૦/- કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સંબંધિત પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું હતું.
ફૂડ સેફટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર દ્વારા શ્રી લાલચંદ અમૃતભાઈ પંચીવાલા સંચાલિત મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ, શોપ નં. ૦૪, પંચાલ શેરી, ડીસા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન “પરિવાર કાઉ ઘી” ૫૦૦ મિલી પેકનો નમૂનો લેવામાં આવ્યો હતો તેમજ ૪૪૮ કિલોગ્રામ ઘીનો રૂ. ૨,૬૮,૮૦૦/- કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પ્રિ-મોન્સુન કામગીરીઃ શાહીબાગમાં કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાન AMC દ્વારા સીલ
આ સિવાય શ્રી નિકુંજભાઈ ધમેશભાઈ મોદી સંચાલિત શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ, પ્લોટ નં. ૩૦, બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ડીસા ખાતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન “કવિરાજ કાઉ ઘી” ૧૫ કિલોગ્રામ પેક ટીનનો નમૂનો લેવામાં આવ્યો હતો તથા ૪૪૯ કિલોગ્રામ ઘીનો રૂ. ૨,૫૧,૪૪૦/- કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
ફૂડ સેફટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર અને કુ. ઇ.એસ. પટેલ દ્વારા શ્રી રાહુલકુમાર દિનેશકુમાર પાવાલા સંચાલિત મે. જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ, ડીસા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન “શ્રેષ્ઠ કાઉ ઘી” ૫૦૦ મિલી પેક તેમજ લુઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉપરાંત ૫૪૭ કિલોગ્રામ ઘીનો રૂ. ૩,૦૮,૨૫૦/- કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે જવાબદારો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

