નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ અને જીવલેણ પ્રદૂષણના ‘ટ્રિપલ એટેક’ને કારણે જનજીવન ખોરવાયું છે. લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો અને હવાની ગુણવત્તા (AQI) 400ને પાર પહોંચતા લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, 26 થી 28 ડિસેમ્બર દરમિયાન દિલ્હી-એનસીઆરમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 21-22 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6-7 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. હવામાં ભેજનું પ્રમાણ 90 થી 95 ટકા સુધી નોંધાતા સ્મોગ (ધુમ્મસ + પ્રદૂષણ) વધુ ઘાતક બન્યું છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીના આનંદ વિહાર (390), વિવેક વિહાર (376) અને બવાના (379) જેવા વિસ્તારોમાં હવા અત્યંત ખરાબ શ્રેણીમાં છે. જ્યારે નોઈડા અને ગાઝિયાબાદની સ્થિતિ વધુ ચિંતાજનક છે. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-પમાં એક્યુઆઈ 400, દિલ્હીના આનંદ વિહારમાં એક્યુઆઈ 390, ગાઝિયાબાદના વસુંધરામાં એક્યુઆઈ 398 અને નોઈડાના સેક્ટર 125માં એક્યુઆઈ 383 નોંધાયો છે.
ઠંડી અને ઝેરી હવાના મિશ્રણને કારણે ડોક્ટરોએ વૃદ્ધો, બાળકો અને શ્વાસના દર્દીઓને ખાસ સાવચેત રહેવા સલાહ આપી છે. બિનજરૂરી બહાર ન નીકળવા, માસ્કનો ઉપયોગ કરવા અને વહેલી સવારે વોકિંગ ટાળવા સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ મેક્સિકોમાં બસ અકસ્માતમાં 10 લોકોના મોત અને 32 ઘાયલ

