Site icon Revoi.in

દિલ્હીની ‘આપ’ સરકારની મુશ્કેલી વધી, દવા કૌભાંડમાં સીબીઆઈ તપાસના આદેશ

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ ના લેતી હોય તેમ લાગી રહ્યું છે. દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા સીએમ કેજરિવાલને સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા, હવે ઈડી ધરપકડ કરશે તેવો સીએમ કેજરિવાલને ભય સતાવી રહ્યો છે ત્યારે હવે કેજરિવાલ સરકારની સામે દવા કૌભાંડના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે દવા કૌભાંડ અંગે સીબીઆઈને તપાસના આદેશ કર્યાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કથિત દવા કૌભાંડની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. LGની ભલામણ પર ગૃહ મંત્રાલયે CBIને FIR નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિક્સમાં કથિત રીતે ‘સબસ્ટાન્ડર્ડ’ દવાઓ પૂરી પાડવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા. એલજી વીકે સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. જેથી કેન્દ્ર સરકારે આ મામલે CBI તપાસને મંજૂરી દીધી છે.

ગૃહ મંત્રાલયે એવા સમયે દવા કૌભાંડની તપાસનો આદેશ આપ્યો છે જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મોહલ્લા ક્લિનિક્સમાં ‘બનાવટી પરીક્ષણો’ કરવાના આરોપોની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ખાનગી લેબોરેટરીઓને ફાયદો પહોંચાડવા માટે મોહલ્લા ક્લિનિક્સ દ્વારા ‘નકલી’ પરીક્ષણોના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. મોહલ્લા ક્લિનિક્સ દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

ગયા વર્ષે એવું સામે આવ્યું હતું કે ડોક્ટરો મોહલ્લા ક્લિનિકમાં આવતા નથી, તેમ છતાં તેમને હાજર બતાવવામાં આવી રહ્યા હતા. તેની ગેરહાજરી છતાં દર્દીઓને ટેસ્ટ અને દવાઓ લખવામાં આવી રહી હતી. બાદમાં જાણવા મળ્યું કે નકલી દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે ખાનગી લેબને મદદ કરવા માટે મોહલ્લા ક્લિનિકમાં ‘ભૂતિયા દર્દીઓ’ પર લાખો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કવર હેઠળ ખાનગી લેબને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ મામલામાં ભાજપે કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કર્યો છે.