અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વાલીઓને રાહત આપવાની માંગણી સાથે કોંગ્રેસે વિધાનસભામાં ખાનગી સ્કૂલમાં 50 ટકા ફી માફ કરવાની રજૂઆત કરી છે. તેમજ સ્કૂલ ફીના હપ્તા કરી આપવાની પણ માંગણી કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 9 મહિના સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ધો-9થી 12 સ્કૂલના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ વાલીઓને ખાનગી સ્કૂલમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં 10 એપ્રિલ સુધી ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચામાં 50 ટકા ફી માફ કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં ગૃહમાં કોવિડની સ્થિતિના કારણે ખાનગી શાળાઓમાં ફી 50 ટકા માફ કરવા માંગણી કરીને કહ્યું, એક વર્ષની ફી હપ્તાથી આપી શકાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ.
જિલ્લા શિક્ષાધિકારીઓએ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે.