Site icon Revoi.in

લો બોલો ચીનમાં વાંદરાની માંગ વધી, કિંમત 25 લાખ સુધી પહોંચી

Social Share

બીજિંગ, 2 જાન્યુઆરી 2026 : નવા વર્ષની શરૂઆત સાથે જ ચીનમાં એક વિચિત્ર તેજી જોવા મળી રહી છે. ચીનમાં જે વાંદરાઓ અગાઉ થોડા હજારોમાં મળતા હતા, તેની કિંમત હવે વધીને રૂ. 25 લાખ સુધી પહોંચી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ખાનગી કંપનીઓ જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારી એજન્સીઓ પણ આટલી મોંઘી કિંમતે વાંદરાઓની ખરીદી કરી રહી છે. ચીન સરકારે સામાન્ય નાગરિકોને પણ વાંદરાઓના પ્રજનન અને ઉછેરમાં મદદ કરવા અપીલ કરી છે.

ચીન મેડિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે વિશ્વભરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. વર્ષ 2025માં ચીને એમપોક્સ, કોરોનાના નવા વેરિઅન્ટ્સ અને કેન્સરની રસીના મોટા પાયે પરીક્ષણો કર્યા છે. આ ઉપરાંત, ચીન અત્યારે ‘ઉંમર વધતી અટકાવવાની’ રસી પર પણ ગંભીર સંશોધન કરી રહ્યું છે. કોઈપણ રસી કે દવાનું માનવ પરીક્ષણ કરતા પહેલા તે વાંદરાઓ પર ટેસ્ટ કરવી અનિવાર્ય હોય છે, જેના કારણે ચીની લેબોરેટરીઓમાં વાંદરાઓની ભારે ખેંચ ઉભી થઈ છે.

‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, અગાઉ 2021માં જ્યારે કોરોના વેક્સિન બનાવવાની હોડ જામી હતી, ત્યારે પણ ચીનમાં વાંદરાઓના ભાવ રૂ. 25 લાખ સુધી પહોંચ્યા હતા. 5 વર્ષ બાદ ફરી એકવાર એ જ સ્થિતિ સર્જાઈ છે. ચીનમાં અત્યારે દર વર્ષે સરેરાશ 25 હજાર વાંદરાઓ પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ટ્રાયલની સંખ્યા વધતા સ્થાનિક બજારમાં વાંદરાઓ ખૂટી પડ્યા છે.

ચીનની દવા કંપનીઓ હવે વિદેશથી પણ વાંદરાઓ મંગાવી રહી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો સ્થિતિ વધુ વણસશે તો વાંદરાઓની તસ્કરી (Smuggling) વધી શકે છે. વર્ષ 2021માં જ્યારે આવી જ અછત સર્જાઈ હતી, ત્યારે ચીને કંબોડિયા જેવા દેશોમાંથી ગેરકાયદેસર રીતે વાંદરાઓ મંગાવીને પોતાની જરૂરિયાત પૂરી કરી હતી.

પ્રજનન માટે બાયો-કેમિકલ પદ્ધતિનો ઉપયોગ

ચીનના એનએચપી (NHP) પ્રજનન અને વિકાસ સંઘના જણાવ્યા અનુસાર, ચીન કુદરતી ઉછેરની સાથે સાથે બાયો-કેમિકલ પદ્ધતિથી પણ વાંદરાઓની સંખ્યા વધારવા પર ભાર મૂકી રહ્યું છે. વર્ષ 2021માં ચીને રેકોર્ડબ્રેક 30,000 વાંદરાઓનું પ્રજનન કરાવ્યું હતું, છતાં વર્તમાન જરૂરિયાત સામે આ સંખ્યા ઓછી પડી રહી છે.

વધુ વાંચો: પાકિસ્તાની સેના પ્રમુખની મુલાકાતનો સાઉદી પ્રિન્સે કર્યો ઈનકાર

Exit mobile version