Site icon Revoi.in

ઘોઘા-હજીરા રો-રો ફેરીનું સંચાલન નિયમિત કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સએ કરી માગ

Social Share

ભાવનગરઃ સી-પ્લેનની જેમ ઘોઘા-દહેજ,હજીરા વચ્ચેની રો-રો ફેરી સર્વિસને પણ ગ્રહણ લાગ્યું છે. જેમાં ઘોઘા-હજીરા વચ્ચે ડીજી સી કનેક્ટ કંપની દ્વારા રો-રો- ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવે છે. આ ફેરી સર્વિસને કારણે ભાવનગર અને સુરત વચ્ચે આવન-જાવન કરતા મુસાફરોને ખુબ જ સુવિધા રહે છે, જેના કારણે ખુબ જ સારો ટ્રાફિક પણ મળે છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જણાવાયું છે કે હાલમાં આ ફેરી સર્વિસ ટેકનિકલ કારણોસર બંધ છે અને દશેરા કે દિવાળી આસપાસ આ ફેરી સર્વિસ પૂન: કાર્યરત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ભાવનગરના ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સેવાને શરૂઆતમાં ખૂબજ સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. પણ પેસેન્જર શીપમાં વારંવાર ટેકનીકલ ખામી સર્જાવાને કારણે સેવા અનિયમિત બની ગઈ હતી. ત્યારબાદ ઘોઘા-હજીરા વચ્ચે પણ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સેવાને પણ સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક લોકો સુરતમાં રહે છે. અને હીરા ઉદ્યોગને લીધે સુરત-ભાવનગર વચ્ચેની લોકોની આવન-જાવન પણ વધુ રહે છે. રો-રો ફેરી સર્વિસ લોકોને ખૂબજ અનુકૂળ આવી ગઈ હતી. પરંતું ઘણા સમયથી રો-રો ફેરી સર્વિસ બંધ પડી છે. જ્યારે પણ ટેકનિકલ કારણોસર આ રો-રો ફેરી સર્વિસ બંધ રહેવાની હોય ત્યારે ડીજી સી કનેક્ટ કંપની દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો તેના સંચાલનમાં નિયમિતતા જળવાઈ રહે અને મુસાફરોનો વિશ્વાસ પણ દ્રઢ બને. આ ઉપરાંત દિવાળી અને શ્રાવણ મહિનાની સાતમ-આઠમનાં તહેવારો દરમિયાન સુરત અને ભાવનગર વચ્ચે ખુબ જ ટ્રાફિક રહે છે તેવા સંજોગો એકના બદલે બે ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવે તો મુસાફરોને પણ સગવડતા રહે અને કંપનીને પણ સારી આવક પ્રાપ્ત થાય તેમ છે.