Site icon Revoi.in

સરહદો પર ડેમોગ્રાફિક ફેરફાર ચલાવી લેવાશે નહીં: ત્રિપુરામાં બાંગ્લાદેશ બોર્ડર પરથી અમિત શાહનો હુંકાર

Social Share

અગરતલા, 5 જૂન 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલી લંકામુરા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને સંબોધિત કરતા તેમણે દેશની સુરક્ષા અંગે મોટી જાહેરાત કરી હતી. અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ત્રિપુરા ફ્રન્ટિયર દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલું રાજ્ય ત્રિપુરા હોય, પશ્ચિમ બંગાળ હોય કે પછી બિહાર હોય, અમે કોઈપણ સંજોગોમાં સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક ફેરફાર થવા દઈશું નહીં, આ આપણો અટલ સંકલ્પ છે. ગૃહ મંત્રીએ ઉમેર્યું કે, બીએસએફના માથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને દેશોની સરહદોની સુરક્ષાની મોટી જવાબદારી છે. આટલી લાંબી સરહદ પર દરેક ક્ષેત્રના પોતાના અલગ પ્રકારના પડકારો છે. ક્યાંક ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી છે, તો ક્યાંક હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) અને નકલી ચલણી નોટોની ઘૂસણખોરીના પ્રશ્નો છે.

સરહદોની સુરક્ષા વ્યવસ્થા આધુનિક કરવા અંગે વાત કરતા અમિત શાહે જણાવ્યું કે, *”જ્યાં પણ બીએસએફ તૈનાત છે, ત્યાં અમે ‘સ્માર્ટ બોર્ડર’નું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. એક ખાસ ચતુષ્કોણીય સુરક્ષા વ્યુહરચના હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર, આધુનિક ટેક્નોલોજી અને જવાનોના પરસ્પર સહયોગથી દેશની તમામ સીમાઓને સંપૂર્ણપણે અભેદ્ય બનાવવામાં આવી રહી છે.” જવાનોની સુવિધા અંગે વાત કરતા તેમણે ભાવુક અંદાજમાં કહ્યું કે, જે સીમા પ્રહરીઓ માઈનસ ડિગ્રી તાપમાન અથવા કાળઝાળ ગરમીમાં દેશની રક્ષા કરે છે, તેમના કેમ્પમાં એક નાની ટ્યુબલાઈટ પણ જો તેમની સુવિધા વધારતી હોય તો તેના માટે પણ સમય ફાળવવા ગૃહ મંત્રાલય હંમેશા તૈયાર છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “હું જ્યારે પણ બીએસએફના કેમ્પમાં જાઉં છું ત્યારે ગર્વથી કહું છું કે, આજે દેશની જનતા અને ખાસ કરીને ભારતનો ગૃહ મંત્રી રાત્રે ચેનથી સોઈ શકે છે, કારણ કે આપણા જવાનો સરહદ પર જાગીને દેશની રક્ષા કરી રહ્યા છે. દેશવાસીઓ આ સમર્પણને ખૂબ સન્માનની નજરે જુએ છે.”

વિશ્વ પર્યાવરણ દિવસનો ઉલ્લેખ કરતા અમિત શાહે સીએપીએફ અને બીએસએફના જવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જવાનો એક વૃક્ષને પોતાના ભાઈ, બહેન કે બાળકની જેમ ઉછેરી રહ્યા છે. આ કામ માત્ર સરકારી આદેશથી નહીં પરંતુ આપણી સહજ આદત બનવું જોઈએ. ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેટ ચેન્જ અને ઓઝોન સ્તરમાં પડતા ગાબડાં પૃથ્વીને જીવવા યોગ્ય નહીં રહેવા દે, જો આપણે આજે જાગૃત નહીં થઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પર્યાવરણ ક્ષેત્રે જે મોડેલ રજૂ કર્યું છે તેને પેરિસ સંમેલનમાં પણ આદર્શ મોડેલ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.

Exit mobile version