Site icon Revoi.in

ગુજરાતમાં માવઠાએ નુકશાન પહોંચાડ્યું છતાં કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં થયો ઘટાડો

Social Share

અમદાવાદઃ સ્વાદમાં મધુર ગણાતી કેરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન સોરઠ અને વલસાડ પંથકમાં કે જ્યાં કેસર કેરીનો પાક સૌથી વધુ થાય છે. ત્યાં સમયાંતરે માવઠું પડતા કેસર કેરીના પાકને નુકશાન થયું હતું. એટલે શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હોવાને લીધે ભાવ વધુ હતા. હવે આવક વધતા કેસર સહિત કેરીઓના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં  કેરીની પેટી દીઠ 200-300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ઊનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા થઈ ગયો છે. જે અગાઉ પેટી દીઠ 1200 રૂપિયા ચૂકવવા પડતા હતા. જ્યારે રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200થી 2600 રૂપિયા છે. અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો. બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં મળે છે. સુંદરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની વેપારીઓને આશા છે.

રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 10900 હેક્ટરમાં કેરીના બગીચાઓ છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો પણ સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની થઈ હતી. છતાં આ વખતે આંબા પર મોર સારા પ્રમાણમાં બેઠા હતા. એટલે નુકશાન થયું હોવા છતાં કેરીનું સારૂએવું ઉત્પાદન થશે એમ લાગી રહ્યું છે. સૂકા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 10,900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે તો કમોસમી વરસાદના મારના કારણે 4500 હેક્ટર જેટલા વિસ્તારમાં આંશિક નુકસાની થઈ છે.  આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઊના, તલાલા ગીર, ગીર ગઢડા, ધારી, ચલાલા. સાવરકુંડલા તેમજ ગોહિલવાડ પંથકની કેરીઓ માર્કેટમાં આવી રહી છે. આવક વધતા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ ભાવ ઘટશે એવું વેપારીઓ માની રહ્યા છે.