Site icon Revoi.in

અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં વિનાશક પૂર: 20 લોકોના મોત, 100થી વધુ ગુમ

Social Share

કાબુલ, 21 જુલાઈ 2026: પૂર્વ અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં સોમવારે મુસળધાર વરસાદ બાદ આવેલી અચાનક પૂરે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આપદામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 80થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. પૂરના ધસમસતા પ્રવાહમાં 100થી વધુ લોકો વહી જતાં હજુ સુધી લાપતા છે. અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાંતિય આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો મૃતદેહો બહાર કાઢવા, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા અને લાપતા લોકોની શોધખોળમાં જોતરાઈ ગઈ છે.

આ હોનારતમાં નુરિસ્તાનની રાજધાની પારૂન શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં અનેક મકાનો, રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓ પૂરના પાણીમાં વહી ગઈ છે. સતત થઈ રહેલા વરસાદના કારણે રેસ્ક્યૂ કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે. દેશમાં છેલ્લા 10 અઠવાડિયાથી આવી રહેલી કુદરતી આફતોના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જેમાં અત્યાર સુધીમાં 301 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 385 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પૂરના કારણે આશરે બે હજાર ઘરો સંપૂર્ણપણે તારાજ થઈ ગયા છે, સાત હજારથી વધુ ઘરોને આંશિક નુકસાન થયું છે, 580 કિલોમીટર જેટલા રસ્તાઓ ધોવાઈ ગયા છે તેમજ 30 હજાર એકરથી વધુ કૃષિ જમીન અને પાક નષ્ટ થતાં આશરે 18 હજારથી વધુ પરિવારો પાયમાલ થઈ ગયા છે. અફઘાન સરકારના પ્રવક્તાએ આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીને રાહત કાર્ય વેગવંતું બનાવવા આદેશ આપ્યા છે.

Exit mobile version