અમદાવાદઃ દેશમાં નવેમ્બર 2016માં રૂ. 500 અને 1000ના દરની નોટો બંધ કરવામાં આવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી જે તે વખતે પોલીસ દ્વારા કરોડોની જૂની નોટો ખોટી રીતે વટાવા જતા ઝડપી લેવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક લોકો પાસે પણ જૂની નોટ હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિદ્વારકા જિલ્લામાંથી રૂ. 5.96 લાખની બંધ થઈ ગયેલી રૂ. 500ના દરની નોટો સાથે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં એસઓજીઓની ટીમ ભાણવટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી હતી. દરમિયાન બાતમીના આધારે કાનાભાઈ અરજણભાઈ ભાટુ (ઉ.વ. 55) નામના શખ્સને ચલણમાંથી રદ થઈ ગયેલી 710 નોટ એટલે કે 3.55 લાખની નોટ જપ્ત કરવામાં આવી હતી. તેની તપાસમાં મિત્ર વાધાભાઈ રાજભાઈ ઓડેદરા (રહે, પોરબંદર) પાસે પણ જૂની નોટ હોવાનું ખૂલ્યું હતું. તેની પાસેથી પણ 480 નોટ એટલે કે, 2.40 લાખની નોટો જપ્ત કરવામાં આવી હતી. આમ બંને પાસેથી રૂ. 5.95 લાખની 500ના દરની 890 નોટ જપ્ત કરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. બે શખ્સો પાસેથી 6 વર્ષ પહેલા ચલણમાંથી રદ થયેલી રૂ. 500ના દરની આટલી બધી નોટો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
પોલીસે બંને આરોપીઓની પૂછપરછ આરંભી છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ભારતીય ચલણમાંથી રદ થયેલી રૂ. 500ના દરની આટલી બધી નોટો ક્યાંથી લાવ્યાં હતા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ આરંભી છે.