Site icon Revoi.in

વિચારોની એકતાથી જ વિકાસ અને સમૃદ્ધિ સંભવ બને છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Social Share

ગાંધીનગરઃ રાજભવનમાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બંને રાજ્યોના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ગુજરાતમાં રહીને અભ્યાસ કરી રહેલા આ બંને રાજ્યોના યુવાનોએ આ અવસરે પોતાના પ્રદેશના લોકનૃત્યો પ્રસ્તુત કર્યા હતા.  ભારતમાં પૂર્વોત્તર રાજ્ય પૈકીના બે; અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી માટે રાજભવન પધારેલા બંને રાજ્યોના નાગરિકોને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીથી વિવિધ રાજ્યોના નાગરિકો એકબીજાની નજીક આવે છે. બે રાજ્યોના લોકો વચ્ચે એકતાનો ભાવ પ્રગટે છે, વિચારોનું ઐક્ય પ્રગટે છે. વિચારોની એકતાથી જ વિકાસ અને સમૃદ્ધિ સંભવ બને છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના અન્ય રાજ્યોની માફક જ પૂર્વોત્તર રાજ્યોનો પણ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, શરીરનું એક પણ અંગ કમજોર કે નબળું હોય તો શરીર સ્વસ્થ રહેતું નથી, એમ ભારતના તમામ ભાગોનો સર્વાંગી વિકાસ થાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. નોર્થઈસ્ટના રાજ્યો પણ સંપૂર્ણ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અરુણાચલ પ્રદેશના યુવાનોએ તાંગંગ મામાના નેતૃત્વમાં પોનુંગ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. તો પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા મિઝોરમ રાજ્યના યુવાનોએ આર. લાલનગૈહસાકીના નેતૃત્વમાં ચૈલમ નૃત્ય અને ચેરાવ નૃત્ય – બામ્બૂ ડાન્સની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે સુરતના ભેસ્તાનની કન્યા વિદ્યાલયની છત્રાઓએ ગુજરાતનો અર્વાચીન ગરબો પ્રસ્તુત કર્યો હતો. ત્રણેય રાજ્યોના યુવાનોએ સાથે મળીને વંદે માતરમપર નૃત્ય કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓના માધ્યમથી વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે એકતાનો ભાવ પ્રગટે છે અને પછી આ એકતા સમગ્ર રાષ્ટ્રનો સ્વભાવ બને છે. તેમણે કહ્યું કે, આપણે સૌ ભારતમાતા અને પરમ કૃપાળુ પરમાત્માના સંતાનો છીએ. સૌએ સાથે મળીને ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાનું છે.