Site icon Revoi.in

દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની લીધી મુલાકાત

Social Share

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સૂચન બાદ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’માં દિવસ દરમિયાન દેશ-વિદેશના મહાનુભાવો-ઉદ્યોગપતિઓ ખાસ મુલાકાતે આવ્યા હતા. જેમાં મોરોક્કોના ઉદ્યોગ-વેપાર મંત્રી  રિયાદ મેઝુર,કોરિયાના એમ્બેસેડર ચાન જાએ બોક તેમજ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીન, હાઈ કમિશન ઓફ સિંગાપોર, એમ્બેસી ઓફ સ્લોવેનિયા, ભુતાન અને પોલેન્ડ ડેલિગેશન  સહિતના મહાનુભાવોએ ડોમ નંબર-1માં ઇન્ટરનેશનલ પેવેલિયનમાં પોતાના દેશના સ્ટોલ્સની મુલાકાત કરીને જરૂરી વિગતો મેળવી હતી.

આ ઉપરાંત હરિયાણાના નાયબ‌ મુખ્યમંત્રી  દુષ્યંત ચૌટાલાએ ડોમ નંબર -7માં આરોગ્ય મંત્રાલય અને ભારતીય વાયુદળ‌ના ઉપક્રમે તૈયાર કરાયેલા સ્વદેશી ‘આરોગ્ય મૈત્રી ક્યૂબ’ની મુલાકાત કરી હતી. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલે પણ ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયન ની મુલાકાત કરી હતી.

ગાંધીનગર ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો -2024માં સૌથી વધુ 20 દેશોના સ્ટોલ્સ ધરાવતાં ‘આંતરરાષ્ટ્રીય પેવેલિયન’માં આજે વિવિધ દેશોના મહાનુભાવો-ઉદ્યોગપતિઓએ વિશેષ મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વના અનેક દેશોનું ધ્યાન ભારત તરફ આકર્ષાયું છે. વિવિધ દેશો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા માટે તત્પર બન્યા છે.વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ વ્યાપારની તકોને વિકસાવવા માટે ભારત અને ગુજરાત તરફ મીટ માંડી રહી છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે એક પ્લેટફોર્મ બની રહ્યું છે.

આ પેવેલિયનમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા, જાપાન, થાઇલેન્ડ, વિયતનામ, કોરિયા, સિંગાપોર મોઝામ્બિક, એસ્ટોનિયા,નોર્વે, બાંગ્લાદેશ જેવા 20થી વધુ દેશોના સ્ટોલ્સ મહાનુભાવો અને મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.વિવિધ દેશોના પ્રતિનિધિઓ તેમના દેશની કલા,સંસ્કૃતિ,વારસો, ઉદ્યોગો,એગ્રીકલ્ચર, પ્રવાસન સહિતની વિગતોથી મહાનુભાવો- મુલાકાતીઓને પ્રદર્શકો માહિતગાર કરી રહ્યા છે.