Site icon Revoi.in

ડિપ્લામા ફાર્મસીના વિદ્યાર્થીઓ સેન્ટ્રલ એક્ઝામ પાસ કરશે તો જ ફાર્માસીસ્ટ તરીકે રજિસ્ટેશન થશે

Social Share

અમદાવાદઃ દેશમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં બોગસ પ્રવેશને અટકાવવા માટે હવેથી તમામ ડિપ્લોમા ફાર્મસી પાસ થનારા વિદ્યાર્થીઓને‌ સેન્ટ્રલાઈઝ પરીક્ષા પણ પાસ કરવી પડશે. દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરશે ત્યારબાદ જ તેઓનું ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થશે.

દેશમાં અનેક બોગસ કોલેજોમાંથી વિધાર્થીઓએ ફાર્મસીસ્ટ તરીકેના રજિસ્ટ્રેશન કરાવી લીધા હોવાનું ધ્યાને આવી ચૂક્યું છે. તેવામાં હવે ફાર્મસીમાં બોગસ એડમિશન અટકાવવા ફાર્મસી કાઉન્સિલ દ્વારા  આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરવી પડશે. ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ અને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના  સભ્યપ્રો. ડૉ. નવીન શેઠે સરાહનિય ગણાવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,   દેશભરમાં ડિપ્લોમા ફાર્મસી કૉલેજોનો રાફડો ફાટયો છે, અનેક કોલેજો  વિદ્યાર્થીઓની હાજરી વગર પણ નામ નોંધણી કરીને પરીક્ષામાં પાસ કરે છે.  આવા વિદ્યાર્થીઓ જ્યારે ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થાય છે અને આરોગ્ય સેવાઓમાં જોડાય છે તે કોઈ પણ અંશે યોગ્ય નથી. જેના ઉપર સંપૂર્ણ રીતે નિયંત્રણ લાવવા માટે હવેથી મહત્વનો નિર્ણય કરાયો છે. હવેથી તમામ ડિપ્લોમા ફાર્મસી  પાસ થનારા વિદ્યાર્થીઓને‌ સેન્ટ્રલાઈઝ પરીક્ષાના ત્રણ વિષયમાં ૫૦ ટકા માર્કસ સાથે પાસ કરશે તો જ  વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ફાર્મસી કાઉન્સિલમાં  કરવામાં આવશે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલે પણ અનેક બોગસ કોલેજોમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ સામે પગલાં લીધા હતા અને તેઓનું રજિસ્ટ્રેશન રોકવામાં આવ્યું હતું. પરંતુ હવેથી દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરશે ત્યારબાદ જ તેઓનું ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થશે.

મહત્વનું છે કે અગાઉ પણ કોલેજો દ્વારા નિયમોને નેવે મૂકીને વિધાર્થીને ફાર્મસીમાં એડમિશન આપવાના અને ત્યારબાદ ફાર્મસીસ્ટ તરીકેનું લાયસન્સને લઈ વિવાદ છેડાઈ ચુક્યો છે ત્યારે આરોગ્ય સેવામાં ગુણવત્તાયુક્ત ફાર્મસિસ્ટની સેવા મળે તે માટે ફાર્મસી કાઉન્સિલે આ પગલું ભર્યું છે જેને GTUના વાઇસ ચાન્સેલરએ આવકારદાયક ગણાવ્યું છે.