Site icon Revoi.in

અમદાવાદમાં મેટ્રોરેલની કામગીરીમાં તૂટતા રોડ અને ડ્રેનેજ લાઈનોને મરામત ન કરાતા અસંતોષ

Social Share

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે.  મેટ્રો રેલની કામગીરી દરમિયાન  રોડ રસ્તા તૂટવાની અનેક ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળતી હોવા છતાં મેટ્રો રેલ ઓથોરિટી દ્વારા આ રોડ રસ્તાના સમારકામ સમયસર ન કરવામાં આવતા શહેરીજનોને મુશ્કેલીઓ પડી રહી છે. શહેરમાં 90થી વધુ જગ્યાએ રોડ, રસ્તા અને ડ્રેનેજ લાઈનો તૂટી ગઇ છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો રેલના રૂટ પર આવતા અનેક રોડ રસ્તાઓ તૂટી અને બેહાલ થઈ જતાં મોટું નુકસાન થયું છે. જેથી હવે સ્થાનિક કોર્પોરેટરોએ મેદાનમાં ઉતરી સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને મેટ્રો રેલ કોર્પોરેશનને રજૂઆત કરતા કામ શરૂ થયા છે. જો કે હજી કેટલાક વિસ્તારમાં રોડ-રસ્તા અને ડ્રેનેજ લાઈન તૂટી જતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર વ્યાસવાડીથી રાણીપ ક્રોસ રોડ- ચીમનભાઈ સુધી મેટ્રો રેલની કામગીરી દરમિયાન તૂટી જતા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. આ મામલે કોર્પોરેટરએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન રોડ રસ્તા તૂટી જતા હોય છે. ખાસ કરીને મેટ્રો રેલના રૂટ પર આવતાં રોડ રસ્તા અને ડ્રેનેજ લાઈન કામગીરીના કારણે તુટી જાય છે. ચોમાસામાં આ રસ્તા વધુ ખરાબ થાય અને પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડે છે જેથી રૂટ પર આવતાં રોડ રસ્તાને ઝડપથી સમારકામ કરવા મેટ્રો રેલના અધિકારીઓને મળી રજુઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનને પણ આ મામલે રજુઆત કરી હતી બાદમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓને બોલાવી તેઓ સાથે સ્થળ તપાસ કરી હતી અને ઝડપી સમારકામ કરવા સૂચના આપી હતી.

શહેરના વ્યાસવાડીથી ચીમનભાઈબ્રિજ તરફ જવાના એક કિલોમીટરના રોડ તૂટી જતા 10 વાર રજુઆત બાદ માત્ર 300 મીટરનો રોડ બની શક્યો છે બાકી રહેલા 700 મીટર રોડની કામગીરી હજી આગામી દિવસોમાં શરૂ કરવા મૌખિક બાંહેધરી આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી સતત વ્યાસવાડીથી ચીમનભાઈ બ્રિજ તરફ જવાનો માર્ગ બિસમાર છે. બીજા તબક્કાના ચાલી રહેલા કામ દરમિયાન મ્યુનિ. એ જ 10 થી વધુ વખત ફરિયાદ કરી છે. હાલમાં પણ વ્યાસવાડીથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આવા અનેક રોડ છે જ્યાં રસ્તાઓ તૂટી ગયા છે. સાબરમતી અને સ્ટેડિયમ વોર્ડમાં સૌથી વધુ 20થી જગ્યાએ રોડ વગેરે તૂટવાની ફરિયાદો મળી છે જ્યારે નવાવાડજ, વેજલપુર, નવરંગપુરા વગેરે જગ્યાએ 10થી વધુ જગ્યાની ફરિયાદ મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક વખત મેટ્રો રેલને રજૂઆત કરવામા આવે છે પરંતુ મેટ્રો રેલ કોર્પોરેશન તેને ગંભીરતાથી લેતું નથી. લાખોનો પેનલ્ટી દંડ છતાં કાર્યવાહી થતી નથી

Exit mobile version