Site icon Revoi.in

કચ્છના રાપરમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ, તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા,

Social Share

ભૂજઃ કચ્છમાં ઉનાળો આકરો બનતા ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.બીજી બાજુ કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલ સમારકામ માટે આગામી બે માસ સુધી બંધ કરવામાં આવી છે. ખાસ કરીને વાગડ વિસ્તારના રાપર તાલુકામા પીવાના પાણીનો  કોઈ વિકલ્પ ના હોવાથી અનેક ગામોમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઈ છે. તાલુકા મથક રાપર શહેરમાં તો હવે  દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે, જે અંગેની સુધારાઈ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. આમ ભર ઉનાળે રાપર અને તાલુકામાં પીવાના પાણીની તંગી સર્જાતા લોકો સાથે પશુઓ માટે કપરા દિવસો નિર્માણ પામ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાપર તાલુકાના 97 ગામો અને 270 જેટલી વાંઢમાં ત્રણ લાખથી વધુ લોકો અને બે થી અઢી લાખ જેટલા પશુઓનો વસવાટ છે, જેમના માટે પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે. જેને લઈ અનેક વાંઢમાં સ્થાનિક ગ્રામ પંચાયત કે પાણી પુરવઠા દ્વારા ટેન્કર કે ટ્રેક્ટર ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક ગામોમાં દુર દુર સુધી આસપાસ પાણીનો કોઈ વિકલ્પ ના હોવાથી લોકો અને પશુધન માટે પાણીની સમસ્યા ઉભી થઈ છે.  તાલુકામાં સામખીયારીથી પાઈપ લાઈન મારફતે આપવામાં આવતો પાણીનો જથ્થો અપુરતા પ્રમાણમાં અપાય છે.  જો પાણીનો જથ્થો વધારવામાં આવે તો આંશિક સ્તરે પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે. અનેક ગામોમા સપ્તાહમાં માંડ એકજ વખત પાણી વિતરણ થાય છે . આગામી સમયમાં પાણી સમસ્યા નિવારવા સંબધિત તંત્ર દ્વારા યોગ્ય ઉપાય લાવી પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો વિતરણ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. આગામી બે માસ સુધી કેનાલ પણ બંધ રહેવાની છે ત્યારે આગામી દિવસોમાં પાણી મુદ્દે કાગારોળ થાય તે પહેલાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાપર તાલુકામાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં ફાળવવા માંગ ઉઠી છે. હાલ રાપર તાલુકામાં આવેલી 270 જેટલી વાંઢ પૈકી 80 ટકા વાંઢમાં પાણીની તંગી સર્જાઈ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે.