Site icon Revoi.in

શિક્ષણ ક્ષેત્રે પછાત મનાતા જિલ્લાઓને ઉન્નત બનાવાશેઃ કેન્દ્ર સરકાર

Social Share

નવી દિલ્હી : દેશના પછાત જિલ્લાઓને શિક્ષણની દ્રષ્ટિએ અપગ્રેડ કરવાના પ્રયાસો કરવામાં આવશે અને આ અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે, તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. લોકસભામાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક પૂરક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે રાજ્યોના શિક્ષણ બોર્ડ સંપૂર્ણપણે રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રમાં છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સંઘીય પ્રણાલીમાં રાજ્યોની જવાબદારી છે કે તેઓ તેમના રાજ્યોમાં શિક્ષણને આગળ વધારશે, પરંતુ જે રાજ્યોમાં શિક્ષણની સ્થિતિ સારી ન હોવાની ફરિયાદો છે તેમની સાથે વાત કરીને કેન્દ્ર સરકારના માપદંડો અનુસાર શિક્ષણ ક્ષેત્રે પછાતપણાને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ શિક્ષણ ક્ષેત્રે પછાત હોવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, રાજ્યોના મહત્વાકાંક્ષી જિલ્લાઓને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવાને પ્રાથમિકતા આપવામાં આવશે. એકલવ્ય સ્કૂલ વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે આ કામ કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયનું છે અને જો આ અંગે કોઈ સમસ્યા ઊભી થશે તો તેના નિરાકરણ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો કરવાની દિશામાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, તમામ બાળકોને શિક્ષણનો અધિકાર મળવાની સાથે ડ્રોપઆઉટ રેશીયાને ઘટાડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધારે અભ્યાસ કરવા માટે વિદેશ જતા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ કેન્દ્ર સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે.