Site icon Revoi.in

અમેરિકા સહિત 15 દેશના તબીબો ‘બ્લેડર એક્સટ્રોફી’ સર્જરીની તાલીમ લેવા અમદાવાદ આવ્યા

Social Share

અમદાવાદઃ તબીબી ક્ષેત્રે પણ દેશ દ્વારા અનેક સિદ્ધિઓ સર કરવામાં આવી રહી છે. ત્યારે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લેડર એક્સટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના અનેક તબીબો તાલીમ અર્થે અમદાવાદ ખાતે પહોંચ્યા છે. અમેરિકા, કેનેડા, સહિત 15 જેટલા દેશના તબીબોને બ્લેડર એક્સટ્રોફીની સર્જરીની તાલીમ આપવામાં આવશે. જે ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત બનશે.

સમગ્ર દેશમાં સૌથી વધુ બ્લેડર એક્સટ્રોફીની સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થાય છે. ગત વર્ષે આ પ્રકારની 33 જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી ત્યારે સિવિલ હોસ્પિટલ 16માં બ્લેડર એક્સટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, કેનેડા સહિતના અન્ય દેશો જેવા કે, કેન્યા, ઇઝરાયલ, ઉઝબેકિસ્તાન, કોલંબિયા, કતાર, બ્રાઝિલ, અર્જેન્ટીના, ગાના, એસ્ટોનિયા, ફિલિપાઇન્સ સહિતના દેશોમાંથી તબીબો ખાસ તાલીમાર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા છે. કુલ 15 દેશમાંથી બ્લેડર એક્સટ્રોફીની સર્જરી શીખવા માટે તબીબો અમદાવાદમાં તાલીમ લેશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સાત દિવસીય 16માં બ્લેડર એક્સટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 23થી 25 જાન્યુઆરી દરમિયાન આરોગ્ય ક્ષેત્રે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 14 રાજ્ય અને ત્રણ વિવિધ દેશમાંથી દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. આ સાપ્તાહિક કેમ્પ દરમિયાન 15 જેટલી સર્જરી કરવામાં આવશે. આ કેમ્પ દરમિયાન નેપાળ, બાંગ્લાદેશ અને કેન્યાના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોજવામાં આવેલા સાપ્તાહિક કેમ્પમાં સતત એક અઠવાડિયા સુધી વિદેશી તબીબોને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા 100 જેટલા તબીબોને પણ તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા દરમિયાન 15 જેટલી સર્જરી કરવામાં આવશે. જે દેશ વિદેશના તબીબો લાઈવ નિહાળશે અને તેમાંથી ઘણું બધું શીખશે.

સમગ્ર દેશમાં સૌથી વધુ બ્લેડર એક્સટ્રોફીની સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થાય છે. ગત વર્ષે આ પ્રકારની 33 જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. એક દર્દીની સર્જરી કરવામાં 8થી 10 કલાકનો સમય લાગે છે. મુત્રાશય શરીરની બહાર હોય, તથા ઇન્દ્રિયો બે ભાગમાં વહેંચાયેલી હોય તેવા દર્દીની આ એક સપ્તાહના કેમ્પ દરમિયાન સર્જરી કરવામાં આવશે.