વોશિંગ્ટન, 12 જાન્યુઆરી 2026: પોતાની અતરંગી અને આક્રમક શૈલી માટે જાણીતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. ટ્રમ્પે વિકિપીડિયા પેજની એક એડિટ કરેલી તસવીર શેર કરી છે, જેમાં તેમને ‘વેનેઝુએલાના એક્ટિંગ પ્રેસિડેન્ટ’ (કાર્યકારી રાષ્ટ્રપતિ) તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફોટોમાં તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2026 સુધીનો બતાવવામાં આવ્યો છે.
ટ્રમ્પે શેર કરેલી આ તસવીરમાં તેમને અમેરિકાના 45મા અને 47મા રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવવાની સાથે જ વેનેઝુએલાના શાસન સાથે પણ જોડવામાં આવ્યા છે. વાસ્તવમાં, વેનેઝુએલામાં નિકોલસ માદુરોની સત્તા પલટાયા બાદ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં મોટું પરિવર્તન આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલાનું નવું નેતૃત્વ અમેરિકા સાથે ખૂબ જ ગાઢ રીતે કામ કરી રહ્યું છે.
એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “વેનેઝુએલામાં અત્યારે બધું જ બરાબર ચાલી રહ્યું છે. અમે ત્યાંના નવા નેતૃત્વ સાથે સંપર્કમાં છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે વેનેઝુએલાએ અમેરિકા પાસેથી 50 મિલિયન બેરલ તેલ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના માટે અમેરિકાએ તૈયારી બતાવી છે. ટ્રમ્પે એનર્જી કંપનીઓને પણ ખાતરી આપી છે કે હવે વેનેઝુએલામાં તેમનું રોકાણ સુરક્ષિત રહેશે.

