Site icon Revoi.in

ગુજરાતમાં જંત્રીના દરમાં ડબલ વધારાને લીધે સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટના કામો અટકી જશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ બાદ એટલે કે 15મી એપ્રિલથી નવી જંત્રીનો અમલ શરૂ થઈ જશે. નવી જંત્રીના દર ડબલ કરાતા સરકારની આવકમાં મોટો વધારો થશે. બીજીબાજુ જમીન અને મકાનોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં વર્ષો જુની સોસાયટીઓની રિ-ડેવલોપની પ્રકિયા ચાલી રહી છે. આવી હજારો સોસાયટીના કામો પર નવી જંત્રીને લીધે અસર પડશે. ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપમેન્ટ ‘ગાહેડે’  વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જંત્રી દરમાં વધારાને કારણે  રિડેવલોપમેન્ટમાં જતી સોસાયટીઓનો ડેવલોપમેન્ટ અટકી જવાની દહેશત છે.  સરકારે રજિસ્ટ્રેશન ફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી તે તાકીદે કરવામાં આવે તેવી માગ ઊઠી છે.  ગાહેડના સત્રોના કહેવા મુજબ  જૂના અને જર્જરીત આવાસોના જગ્યાએ સારા આવાસો બને તેવા શુભ આશયથી સરકારે રિડેવલોપમેન્ટ પોલિસી અમલી બનાવી છે. જેમાં બિલ્ડર વધારાની પરચેઝ એફ.એસ.આઇ. રીઝનેબલ રેઇટથી મળી રહેતા વપરાશકર્તાને તમામ સુવિધાઓ સાથે તેમના હયાત મકાન કરતા મોટુ મકાન મળી રહે છે. મ્યુનિ.એ જાહેર કરેલી યાદી પ્રમાણે શહેરમાં 5000 સોસાયટી જર્જરીત છે અને તેમાં લોકો ભયજનક મકાનોમાં રહે છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનને લેતા કોટ વિસ્તાર,એલિસ બ્રિજ, પાલડી, નવંરંગપુરા, નારણપુરા અને મણિનગર જેવા વિસ્તારોમાં 30 હજારથી 38 હજારની જંત્રી છે અને હવે નવી જંત્રી અમલમાં મુકાતા તેમાં 100 ટકાનો વધારો થનાર છે. જેના કારણે પરચેઝ એફ.એસ.આઇ.જંત્રી સાથે લીંક હોવાથી પડનારા અસહ્ય વધારાના કારણે પ્રોજેક્ટ વાયેબલ ન થતાં નવું ડેવલોપમેન્ટ અટકી જશે. આ માટે સરકાર તાકીદે નિર્ણય કરે તે જરૂરી છે.

ગાહેડના સૂત્રોએ ઉમેર્યું હતું કે,  સમાજના દરેક વર્ગને ઘરનું ઘર મળે તેના માટે એફોર્ડેબલ હાઉસીંગ યોજના લાગુ કરાઇ છે. અત્યાર સુધી વ્યાજબી ભાવે એફ.એસ.આઇ. મળતી હતી, હવે તેમાં 100 ટકાનો વધારો થયો છે. જેના કારણે શહેરનો ગ્રોથ અટકી જશે. રાજ્યના વિકાસને મરણતોલ ફટકો પડશે.