Site icon Revoi.in

દિલ્હી-NCRમાં પ્રદૂષણ અને ધુમ્મસનો બેવડો માર: AQI 500ની નજીક

Social Share

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) હાલમાં પ્રદૂષણ અને કાતિલ ઠંડીના ભીંસમાં છે. દિલ્હી-NCRમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે, જેના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની સપાટીની નજીક નોંધાયો છે. પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.

હાલમાં દિલ્હી અને તેની આસપાસના શહેરો ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્કમાં એક્યુઆઈ 436, નોલેજ પાર્ક-3માં 375, નોઈડાના સેક્ટર-1માં 444, સેક્ટર-116માં 434, સેક્ટર-125માં 406, ગાઝિયાબાદના લોનીમાં 447, વસુંધરામાં 401, દિલ્હીના આનંદ વિહારમાં 455, વિકેટ વિહારમાં 456, રોહીણીમાં 442, જ્યારે ચાંદની ચોક અને પંજાબી બાગ જેવા વિસ્તારમાં આ આંકડો 420 ઉપર પહોંચ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, 29 ડિસેમ્બરે ‘વેરી ડેન્સ ફોગ’ (અતિ ગાઢ ધુમ્મસ)નું એલર્ટ જારી કરાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે સડક અને રેલવે વ્યવહાર ખોરવાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 ડિસેમ્બરના રોજ ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે 31 ડિસેમ્બરએ ધુમ્મસમાં થોડી રાહત મળશે પરંતુ વાતાવરણ ધૂંધળું રહેશે. તેમજ 1 જાન્યુઆરી (નવું વર્ષ)ના રોજ દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદની શક્યતા છે, જેનાથી પ્રદૂષણમાં થોડો ઘટાડો થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 400થી વધુ AQI માત્ર બીમાર જ નહીં પરંતુ તંદુરસ્ત વ્યક્તિઓ માટે પણ જોખમી છે. બહાર નીકળતી વખતે N95 માસ્કનો અચૂક ઉપયોગ કરવો. શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓએ ઘરની બહાર નીકળવાનું ટાળવું. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 8 થી 9 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે, તેથી ઠંડીથી બચવા પૂરતી સાવચેતી રાખવી.

આ પણ વાંચોઃ VIDEO: કોંગ્રેસની ધમકી, “ભાજપની ચાપલૂસી કરનારા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે”

Exit mobile version