Site icon Revoi.in

દહેજ લાલચુઓને UPના યુવાને આપી અનોખી શિખ, લગ્નમાં કન્યાના પરિવાર પાસેથી લીધી રામાયણની એક પ્રત

Social Share

દિલ્હીઃ ભારતમાં દહેજની માંગણી કરવુ અને આપવુ બંને ગુનો માનવામાં આવે છે. જો કે, દેશમાં અનેક સમાજમાં દહેજ પ્રથા ચાલતી હોવાનું અગાઉ અવાર-નવાર સામે આવ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં એક અનોખા લગ્ન યોજાયાં હતા. જેમાં વરરાજા અને તેના પરિવારજનોએ દહેજમાં રોકડ, દાગીના અને વાહન સહિતની સુખ સુવિધાઓની માંગણી કરવાને બદલે દહેજ પ્રથાને નાબુદ કરવા માટે રામાયણની એક પ્રતની માંગણી કરીને દહેજ લાલચુઓને બોધ આપ્યો હતો. આ લગ્નની વિધિ પણ 17 જ મિનિટમાં સંપન્ન કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં પુષ્પેન્દ્ર દુબેના લગ્ન પ્રીતિ તિવારી સાથે થવાના હતા લગ્ન પહેલા જ પુષ્પેન્દ્રએ શરત મુકી હતી કે, લગ્ન સાદાઈથી જ યોજાશે થશે. જેના પગલે એક મંદિરમાં લગ્નનુ આયોજન કરાયુ હતુ. જેમાં બહુ ઓછા મહેમાનો સામેલ થયા હતા. માત્ર પ્રીતિ અને પુષ્પેન્દ્રના પરિવારના કેટલાક સભ્યો જ લગ્નમાં સામેલ થયા હતા. મંદિરમાં સાત ફેરા લીધા હતા અને લગ્ન પૂરા થઈ ગયા હતા. 17 જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા હતા. બીજી તરફ કન્યાના પરિવારજનોએ રાજીખુશીથી સુખસુવિધાની વસ્તુઓ આપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, વરરાજા અને તેના પરિવારજનોએ દહેજનો ઈન્કાર કર્યો હતો. જો કે, યુવતીના પરિવારજનોએ દબાણ કરતા વરરાજાએ તેમની પાસે રામાયણની એક પ્રત દહેજમાં માંગી હતી.

વરરાજાની માંગણી સાંભળીને દુલ્હન પ્રીતિના પરિવારજનો હેરાન થઈ ગયા હતા. જોકે એ પછી તરત જ રામાયણની પ્રત મંગાવવામાં આવી હતી અને પુષ્પેન્દ્રએ આ દહેજ સ્વીકારી લીધુ હતુ. જોકે હવે આ કિસ્સાની ખાસી ચર્ચા છે. પુષ્પેન્દ્ર અને પ્રીતિ હવે બીજા લોકોને પણ લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને દહેજ નહીં લેવા માટે અપીલ કરી રહ્યા છે.