Site icon Revoi.in

ડ્રગ નેટવર્કનો આકા સલીમ ડોલા તુર્કિયેમાં હમઝા બની છુપાયો હતો

Social Share

મુંબઈ, 1 મે 2026: ભારતની સુરક્ષા એજન્સીઓને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના મામલે મોટી સફળતા મળી છે. અંદાજે 5000 કરોડ રૂપિયાનું ડ્રગ નેટવર્ક ચલાવતા કુખ્યાત ડ્રગ માફિયા મોહમ્મદ સલીમ ડોલાને તુર્કિયેથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓએ તેને મુંબઈની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને 8 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

તપાસમાં બહાર આવેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, સલીમ ડોલા તુર્કિયેમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. તે ત્યાં પોતાનું નામ ‘હમઝા’ હોવાનું જણાવતો હતો અને બલ્ગેરિયન પાસપોર્ટના આધારે ત્યાં વસવાટ કરતો હતો. એજન્સીઓ હવે એ તપાસ કરી રહી છે કે આ પાસપોર્ટ અસલી હતો કે નકલી. ભારતની વિનંતી પર સીબીઆઈએ ઈન્ટરપોલ દ્વારા તેની સામે ‘રેડ કોર્નર નોટિસ’ જાહેર કરાવી હતી, જેના આધારે માર્ચ 2024માં ઈસ્તંબુલથી તેની અટકાયત કરવામાં આવી હતી.

સલીમ ડોલા કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે એક વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિંડિકેટનો ભાગ છે. એજન્સીઓના જણાવ્યા મુજબ, તેનું નેટવર્ક 5000 કરોડ રૂપિયા સુધી ફેલાયેલું છે. વર્ષ 2023માં દક્ષિણ મુંબઈમાં ઝડપાયેલા મેફેડ્રોન (એમડી) ડ્રગ કેસમાં તે મુખ્ય સપ્લાયર તરીકે સામે આવ્યો હતો. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ ડ્રગ્સના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ ભારતની સુરક્ષાને નુકસાન પહોંચાડતી ગતિવિધિઓ અને આતંકવાદી નેટવર્કને ફંડિંગ પૂરું પાડવા માટે થતો હોવાની આશંકા છે.

છેલ્લા કેટલાક સમયથી તપાસ એજન્સીઓ આ નેટવર્કને તોડવા માટે આક્રમક કાર્યવાહી કરી રહી છે. જૂન 2025માં સલીમ ડોલાના પુત્ર તાહિર ડોલાને પણ સંયુક્ત આરબ અમીરાતથી ભારત લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેના અન્ય એક સાથીદારને પણ દુબઈથી પ્રત્યાર્પણ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. હવે સલીમ ડોલાની પૂછપરછમાં ભારતમાં ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા અન્ય મોટા નામો અને સફેદપોશ ગુનેગારોના પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.

Exit mobile version