Site icon Revoi.in

મહારાષ્ટ્રના પાલઘરમાં 1400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે દવા ઉત્પાદન એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 1400 કરોડ રૂપિયાની કિંમતનો 700 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 4 આરોપી મુંબઈના હતા જ્યારે એક વ્યક્તિ નાલાસોપારામાંથી ઝડપાઈ હતી.

એક અધિકારીએ કહ્યું કે, પ્રતિબંધિત ડ્રગની માહિતી મળી હતી, જેના પછી દરોડો પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન પ્રતિબંધિત દવા મેફેડ્રોન બનાવવાની વાત સામે આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં આ માદક દ્રવ્યોની સૌથી મોટી જપ્તી છે. મેફેડ્રોનને ‘મ્યાઉ મ્યાઉ’ અથવા એમડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નેશનલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં યુવા પેઢીને નશાખોરીના રવાડે ચઢતા બચાવવા માટે કેન્દ્ર સરકાર તથા વિવિધ સુરક્ષા એજન્સીઓએ કવાયત આરંભી છે. દરમિયાન દેશની આર્થિક રાજધાનીમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ સંમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.