Site icon Revoi.in

રાજકોટના ધોરાજી પંથકમાં સતત વરસાદને લીધે ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડુતોની કફોડી સ્થિતિ

Social Share

રાજકોટઃ  જિલ્લાના ધોરાજીમાં પડેલા ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ  ગયો છે. છેલ્લા બે વર્ષથી ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રો સતત નુકસાનીની માર સહન કરી રહ્યાં છે. ખેડૂતોને સતત બે વર્ષથી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. લોક ડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ પરિવહન સેવા બંધ હતી. જેને લઇ અને ખેડૂતોનો માલ ગોડાઉનમાં પડી રહ્યો હતો. અને ડુંગળીના પૂરતા પોષણક્ષમ ભાવના મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. બાદમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ડુંગળીનો ઊભો પાક નિષ્ફળ  ગયો હતો. આ વર્ષે સારો એવો વરસાદ થયો ખેડૂતોને સારા એવા ઉત્પાદન અને સારા એવા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોની આ આશા પર ધોરાજી પંથકમાં પડેલ ભારે વરસાદએ પાણી ફેરવી નાખ્યું. અને ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી અને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

રાજકોટના ધોરાજી વિસ્તારમાં ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. આ વર્ષે ડુંગળીના પાકના સારા ભાવ મળશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું મોટાપાયે વાવેતર કર્યું હતું. ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનું કહેવું છે કે એક વીઘા દીઠ વાવેતરથી લઇ અને અત્યાર સુધી આઠથી દશ હજારનો ખર્ચ કર્યો, મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને ખાતર સહિત મજૂરી ખર્ચ કર્યો. પરંતુ ભારે વરસાદને કારણે હવે પાક ફેલ થઈ ગયો. અને ખર્ચ માથે પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે વરસાદથી ડુંગળીના ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. હવે ખેડૂતોને સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તો ખેડૂતો નવું વાવેતર કરી શકે એમ છે.  નોંધનીય છે. કે, કયારેક વરસાદની ખેંચને કારણે ધરતીપુત્રોને પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવે છે. અને, જયારે સારો વરસાદ થાય અને ખેડૂતોને સારો પાક મળે ત્યારે તેમને ખેત ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. જેથી દર વરસે ખેડૂતોને પાક વાવ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જેવી જ રહેતી હોય છે. ત્યારે ધોરાજીના ધરતીપુત્રો હાલ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે.