Site icon Revoi.in

ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ, નિકાસના નિયમો હળવા બનાવવા માગ

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા તાલુકામાં ડુંગળીના પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. ત્યારે ડુંગળીના ગગડી ગયેલા ભાવ ખેડુતોને રડાવી રહ્યા છે. ડુંગળીના ભાવમાં 20 કિલોએ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. 50 હજાર ડુંગળીના થેલાની આવકમાં ભાવ ગગડી ગયા છે ત્યારે  બે લાખ ડુંગળીની બોરીની આવક થશે ત્યારે  ભાવ ક્યાં પહોંચશે, તે વિચારથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે કેન્દ્ર સરકાર ડુંગળી એક્સપોર્ટ કરવાના નિયમો હળવા બનાવી તાત્કાલિક ધોરણે નિકાસમાં વધારો કરે તો ખેડુતોને ડુંગળીના પાકના પોષણક્ષણ ભાવ મળી શકે તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું જે ઉત્પાદન થાય છે, તેના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે. આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઇને તેને વેપારીઓ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોંઘવારી નડી છે. આ તમામ વસ્તુઓ માટે થયેલો ખર્ચ એટલો વધુ છે કે ડુંગળીના ભાવ નીચે જાય તો ખેડૂતોને પોષાય તેમ નથી.

ભાવનગર જિલ્લામાં તળાજા અને મહુવા વિસ્તારમાં આ વખતે વરસાદ સારો વરસ્યો હતો. તેમજ હવામાન પણ ડુંગળીના પાક માટે સારુ રહ્યુ છે. જેથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યુ છે. જો કે ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરુ થઇ ગઇ છે. તાજેતરમાં 50 હજાર કરતા વધુ બોરી ડુંગળીની આવક થઇ છે. જો કે ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એક બોરી એટલે કે 20 કિલોનો ડુંગળીનો ભાવ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. જો હજુ પણ ભાવ નીચે જશે તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી શકે છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Exit mobile version