Site icon Revoi.in

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડીના સારી આવકને લીધે 33 લાખ ડબા ગોળનું ઉત્પાદન થયું

Social Share

રાજકોટઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શેરડીનું સારૂએવું ઉત્પાદ થાય છે. જે વિસ્તારોમાં શેરડીનું વધુ ઉત્પાદન થાય છે. તે વિસ્તારોમાં દેશી ગોળના રાબડાં બનાવીને ખેડુતો દેશી ગોળનું ઉત્પાદન કરી રહ્યા છે. આ વર્ષે શેરડીની ઉપલબ્ધિ સારી હોવાથી ઉત્પાદન જળવાયું છે એટલે ભાવ ગયા વર્ષ કરતા થોડાં નીચાં છે. જોકે બહારના રાજ્યોમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ગોળનું ઉત્પાદન અને સ્ટોક ઓછાં થયા છે એ જોતા ગુજરાતમાં સ્ટોકિસ્ટોને નુક્સાની નહીં જાય તેવું લાગી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 7 ફેબ્રુઆરી સુધીમાં ગોળનું ઉત્પાદન 33 લાખ ડબા આસપાસ થયું હોવાનો અંદાજ છે. એમાંથી આશરે 18થી 19 લાખ ડબા કોલ્ડસ્ટોરેજોમાં સ્ટોક થઇ ગયો છે અને બાકીનો માલ રોજીંદા વપરાશમાં લેવાઇ ગયો છે.  ગયા વર્ષ જેટલું કે થોડું વધારે ઉત્પાદન થશે. એ કારણે આ વર્ષે ભાવ થોડાં નીચાં રહ્યા છે. લાલ ગોળનો ભાવ સૌરાષ્ટ્રમાં એક કિલોએ ઉત્પાદક મથકોએ રુ. 26.50 થી 27 બોલાય છે. જ્યારે બેસ્ટ ગોળનો ભાવ રુ.30 થી 31.50 ચાલે છે. ગયા વર્ષની તુલનાએ ગોળનો ભાવ એકથી દોઢ રુપિયો નીચો છે પણ ઉત્પાદકોને કોઇ સમસ્યા નથી. પડતર સારી છે. સ્ટોક કરનારાને પણ થોડો ફાયદો મળે તેમ છે.
ગોળના રાબડા ચલાવતા ઉત્પાદકોના કહેવા મુજબ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન સારું થયું છે, એટલે મળતર સરળ છે. સુરત તરફ શેરડીનો ભાવ એક ટને રુ.1800-2000 અને ગીર વિસ્તારમાં રુ.2000-2150નો ભાવ ચાલે છે. ખેડૂતોની વેચવાલી પણ સારી છે. હોળી સુધી શેરડીની મળતર થયા કરવાની છે એટલે ઉત્પાદન ચાલુ રહેશે. જોકે એ પછી મજૂરો વતન જતા રહેતા હોવાથી શેરડી મળે તો પણ ગોળનું ઉત્પાદન મંદ પડી જતું હોય છે. આમ હજુ એકથી સવા મહિના સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સીઝન ચાલશે. આ વર્ષે શેરડીની મળતર નોંધપાત્ર છે એટલે ગોળના રાબડાં પણ મોટી સંખ્યામાં ચાલુ થયા છે. સીઝન બરાબર જામી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સોમનાથ જિલ્લામાં કુલ મળીને 250-260 જેટલા રાબડાંમાં ઉત્પાદન થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 350 જેટલાં રાબડાંમાં ગોળ બની રહ્યો છે. એ રીતે જોઇએ તો બધા જ રાબડાંમાં ઉત્પાદન શરું થયું છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર-કોડીનાર પંથકના 250-260 અને દક્ષિણ ગુજરાતમાં 350 જેટલા રાબડાનું ઉત્પાદન ચાલુ છે. ત્યાં બધા જ રાબડાં ચાલુ થયા છે. ઉત્તરપ્રદેશમાં શેરડીનો પાક 20-25 ટકા ઓછો છે. શેરડીની જાડાઇ ઓછી છે. એ કારણે રસ ઓછો મળે છે. ગોળ પણ ઓછો બનશે. અત્યારે ત્યાં ઉત્પાદનની તુલનાએ ફક્ત 25 ટકા જેટલો જ સ્ટોક ત્યાં ગોળનો થયો હોવાની ધારણા છે.