Site icon Revoi.in

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.ની 425 શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં કામ કરશે, વિદ્યાર્થીઓને રાહત

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એએમસી હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 425 શાળાઓને સવારની શિફ્ટમાં તબદિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે મ્યુનિની કુલ 449 સ્કૂલમાંથી 425 સ્કૂલોમાં અભ્યાસ કરતા 9 હજાર વિદ્યાર્થીઓને મોર્નિંગ શિફ્ટમાં બોલાવાશે. જો કે પરીક્ષા નજીકમાં છે. અને ત્યારબાદ ઉનાળું વેકેશન પડશે.

અમદાવાદ શહેરમાં ગરમી વધતી જાય છે. ત્યારે બપોરની શાળાઓમાં વિદ્યાર્થીઓને અસહ્ય ગરમીમાં શિક્ષણ કાર્ય કરવું પડતું હતું. કેટલાક વાલીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા મ્યુનિ,સ્કુલ બોર્ડના શાસનાધિકારીને બપોરની શાળાઓને સવારના સમયમાં તબદીલ કરવાની રજુઆતો મળી હતી. તેથી સ્કૂલ બોર્ડ દ્વારા ઉનાળાની ગરમીમાં મ્યુનિ.સ્કૂલોના વિદ્યાર્થીઓને રાહત આપવાના હેતુસર બપોરની શિફ્ટને સવારની શિફ્ટમાં તબદીલ કરવાનો નિર્ણય કરાયો છે. શિક્ષકોએ શાળાના નિયત સમય પહેલાં 10 મિનિટ અને શાળાના સમય બાદ 10 મિનિટ સુધી ઉપસ્થિત રહી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉપરાંત બા‌ળકોના મધ્યાહન ભોજન બાબતે જે તે શાળા-સંચાલકોને આ અંગેની જાણકારી કરવાની સુચના આપવામાં આવી છે.

મ્યુનિ. સ્કુલ બોર્ડના સૂત્રોના જમાવ્યા મુજબ ઉનાળાની ગરમીમાં બપોરની શિફ્ટમાં અભ્યાસ કરતા પ્રાથમિક વિભાગનાં બાળકોના શિક્ષણકાર્ય પર વિપરીત અસર ન પડે તે હેતુસર સ્કૂલોમાં બપોરની શિફ્ટ મોર્નિંગ કરાઈ છે, જેનો અમલ એપ્રિલ, મેના પ્રથમ સપ્તાહ સુધી કરાશે. પૂરતી બેઠક વ્યવસ્થા હોય તેવી સ્કૂલોમાં સોમવારથી શુક્રવાર સુધી સવારે 7.10થી 12 વાગ્યા સુધીની શિફ્ટ રહેશે, જ્યારે શનિવારે સવારે 7.10થી 11.30 વાગ્યા સુધીનો સમય રહેશે. જ્યારે બાકીની સ્કૂલોમાં સોમથી શુક્રવાર સુધી બપોર પાળી બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. જ્યારે શનિવારે 11.30થી 3.30 સુધીની શિફ્ટ રહેશે.