Site icon Revoi.in

ભાવનગરમાં ભારે વરસાદને લીધે રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

Social Share

ભાવનગરઃ  શહેરમાં  ગુરૂવારે બપોર બાદ અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું અને થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા. શહેરના મુખ્ય રસ્તાઓ પર ધૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

ભાવનગર શહેરમાં બપોરના ટાણે ભારે વરસાદ પડતા મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા, જેમાં સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘાસર્કલ, મેઘાણીસર્કલ, ક્રેસન્ટ, હલુરીયાચોક, ગંગાજળીયા તળાવ, જશોનાથ ચોક, પાનવાડી ચોક, વિજય ટોકીઝ રોડ, અલકા સિનેમા થઈ રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ કુંભારવાડા સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં એક ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતા, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, આમ, તંત્રની મોનસૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા,

ગોહિલવાડ પંથકમાં આ વખતે સારા વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાયા છે. શેત્રુજી ડેમ પણ ઓવરફ્લો બન્યો છે. એટલે ઉનાળા દરમિયાન જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થશે નહીં.

ભાવનગર જિલ્લાના છેલ્લા 2 કલાકમાં એટલે કે 4 વાગ્યા થી 6 વાગ્યા સુધી વરસાદ જોઈ તો વલ્લભીપુરમાં – 9 મિમી, ઉમરાળામાં – 11 મિમી, ભાવનગરમાં -52 મિમી, ઘોઘામાં – 0 મિમી, સિહોરમાં – 0 મિમી, ગારીયાધારમાં – 1 મિમી, પાલીતાણામાં – 0 મિમી, તળાજામાં – 0 મિમી, મહુવામાં – 1 મિમી તથા જેસરમાં – 12 મિમી વરસાદ વરસ્યો હતો, ભાવનગર 10 તાલુકા માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો જયારે ઘોઘા, સિહોર, પાલિતાણા તથા તળાજા તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યો હતો.