Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.ના ગાર્ડનની યોગ્ય તકેદારીના અભાવે રમત-ગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની માલીકીના અનેક બાગ – બગીચા આવેલા છે. દરેક વિસ્તારોમાં બાગ-બગીચા બનાવવામાં આવ્યા છે. શહેરીજનો બગીચાઓમાં જઈને નિરાંતની પળો વિતાવે છે. જેમાં ઉનાળામાં તો તમામ બાગ-બગીચાઓમાં શહેરીજનોની ભારે ભીડ જોવા મળતી હોય છે.  બાળકો માટે તમામ બગીચાઓમાં રમત-ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા છે. પરંતુ  શહેરના કેટલાક બગીચાઓમાં યોગ્ય સાર-સંભાળના અભાવે રમત-ગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જો કે તેના માટે શહેરીજનો પણ જવાબદાર છે. બાળકો માટેના હીંચકાઓમાં પુખ્ત વયના લોકો હીંચકતા જોવા મળતા હોય છે. બગીચાઓમાં સિક્યુરિટીનો કોન્ટ્રક્ટ આપવામાં આવ્યો છે. પણ સિક્યુરિટીના માણસો મોટેભાગે આરામ ફરમાવતા જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બગીચાઓની સાર સંભાળ અને મેઇન્ટેનન્સની જવાબદારી બગીચા ખાતાની હોય છે. પરંતુ બગીચા ખાતાના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોની બેદરકારીના કારણે શહેરના કેટલાક બગીચાઓમાં બાળકોની રમત ગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ ઝાડ દૂર કરવાની અને તેને સાચવવાની જરૂર છે, પરંતુ ક્યાંય સાર-સંભાળ થતી નથી. જેની નાગરિકો અનેક જગ્યાએ ફરિયાદો કરે છે, પરંતુ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. શહેરના વસ્ત્રાલના રતનપુરા તળાવ ગાર્ડન તેમજ જોધપુર વિસ્તારમાં સુરસાગર ફ્લેટની સામે આવેલા ગાર્ડનમાં રમતગમતના સાધનો તૂટી ગયા છે. આસપાસ ઘણું ઘાસ ઉગી નીકળ્યું છે, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.ના બગીચાઓમાં અનેક જગ્યાએ રમતગમતના સાધનો બાળકોને રમવા માટે મૂકવામાં આવ્યા છે, પરંતુ કેટલાક બગીચાઓ એટલા એવા છે કે જેમાં રમતગમતના સાધનો તૂટી ગયા છે. તો કેટલાય સમયથી ત્યાં સાધનો નીકળી ગયા છે, પરંતુ ફરીથી નવા મૂકવામાં આવ્યા નથી. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રતનપુરા તળાવ ગાર્ડનમાં રમતગમતના સાધનોની આસપાસ મોટું ઘાસ સુધી નીકળ્યું છે, તેમ જ હિચકાઓ તૂટી ગયા છે. સ્થાનિકો દ્વારા અનેકવાર ફરિયાદો કરવામાં આવી છે. છતાં પણ બગીચા ખાતાના અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. જોધપુર વિસ્તારમાં સુરસાગર ફ્લેટની સામે આવેલા બગીચામાં પણ આવી જ કંઈક હાલત જોવા મળી છે, ત્યાં પણ હિચકાઓ તૂટી ગયા છે જેના કારણે બાળકો રમી શકતા નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના બાગ-બગીચાની સાર-સંભાળ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પરંતુ તેના દ્વારા યોગ્ય સાર-સંભાળ રાખવામાં આવે છે. કે નહીં તે જોવાની જવાબદારી બગીચા વિભાગના અધિકારીઓની છે. કહેવાય છે. કે બગીચાના કોન્ટ્રાકટરોના સત્તાધિશો સાથેના સંબંધને કારણે બગીચા વિભાગના અધિકારીઓ માથાકૂટ કરતા નથી.