Site icon Revoi.in

અમદાવાદમાં ઠંડીને લીધે વાયરલ બીમારીના કેસમાં વધારો, ઝાડા-ઊલટી, ઝેરી મેલેરિયાના કેસ વધ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ભેજવાળી ઠંડીને કારણે વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીના માત્ર 21 દિવસમાં જ ઝાડા-ઊલટીના 221, ટાઈફોઈડના 144 અને કમળાના 108 કેસ નોંધાયા છે. ગત જાન્યુઆરી કરતા આ વખતે જાન્યુઆરી માસમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે મ્યુનિ. તંત્રે રોગચાળાને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી છે. પાણીજન્ય રોગચાળાની સરખામણીમાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં રહ્યો છે. જોકે, ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. જાન્યુઆરી માસના 21 દિવસના ગાળામાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 221 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોઈડના 144 કેસ નોંધાયા છે. કમળાના કેસોએ પણ ઉપદ્રવ મચાવ્યો છે. 21 દિવસમાં કમળાના પણ 108 કેસ નોંધાતા તંત્રએ કામગીરી ઝડપી બનાવી છે. જાન્યુઆરી-2022ની સરખામણીમાં ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કેસોમાં વધારો થયો છે. ગત જાન્યુઆરીમાં ઝાડા-ઊલટીના 83 કેસની સામે ચાલુ વર્ષે 21 દિવસમાં જ 221 કેસ નોંધાઈ ચુક્યા છે. ટાઈફોઈડના ગત જાન્યુઆરીમાં 81 સામે ચાલુ વર્ષે 144 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન પાણીના અઢી હજારથી વધુ સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા હતા. જેમાં 23 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અમદાવાદમાં સિઝનલ ફ્લુના જાન્યુઆરીમાં 12 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળાની સરખામણીમાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં જણાય છે. શહેરમાં સાદા મેલેરિયાના 21 દિવસમાં 11 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે. ડેન્ગ્યુના 24 કેસ ચિંતાજનક જણાય છે. જ્યારે ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો છે. ડેન્ગ્યુના ગત જાન્યુઆરીમાં માત્ર 19 કેસ હતા. જોકે, આ વખતે તેમાં વધારો થયો છે. ડેન્ગ્યૂના કેસોના પગલે કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 1653 સીરમ સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે.