Site icon Revoi.in

અમદાવાદમાં ગરમીને લીધે અટલબ્રિજ, રિવરફ્રન્ટ અને ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે

Social Share

અમદાવાદઃ શહેરમાં તાપમાન વધતું જાય છે. શહેરીજનો ઠંડક મેળવવા માટે રાત્રે ઘરની બહાર નીકળીને બગીચાઓ, રિવરફન્ટ સહિતના સ્થળે નવરાશની પળ વિતાવતા હોય છે. હવે તો ઉનાળાનું વેકેશન પણ પડી રહ્યું છે. ત્યારે લોકો બગીચાઓ, રિવરફ્રન્ટ કે અટલબ્રિજમાં ફરી શકે તે માટે મોડી રાત સુધી ખૂલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ આવેલાં રિવરફ્રન્ટ ફલાવર પાર્ક, રિવરફ્રન્ટ ઉસ્માનપુરા પાર્ક, રિવરફ્રન્ટ સુભાષ બ્રિજ પાર્ક, રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક, અટલ બ્રિજ તેમજ પૂર્વ અને પશ્વિમ બાજુના લોઅર પ્રોમિનાડ મોડી રાત સુધી ખુલ્લા રહેશે. એટલે વેકેશન દરમિયાન સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર આંટો મારવા જવું હોય તેમના માટે સારી ખબર માનવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ઉનાળાની ઋતુ અને વેકેશનના સમયને ધ્યાનમાં રાખીને રાતના 11 વાગે સુધી રિવરફ્રન્ટ પાર્ક ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અટલ બ્રિજ પણ હવે 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટ પર આવેલાં તમામ આકર્ષણના કેન્દ્ર માટે 11 વાગે સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં અટલ બ્રિજથી લઈને તમામ ગાર્ડન્સ પાર્કસનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ટિકિટ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ટિકિટ મેળવવા માટે ટિકિટ વિન્ડો 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. જ્યારે મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક તેના નિયત સમય પર મુજબ એટલે કે સવારના 7 વાગેથી સાંજના 5 કલાક સુધી ખુલલો રહેશે. મુલાકાતીઓએ ગાર્ડન પાર્કમાં પ્રવેશ મેળવ્યા બાદ જરુરી નિયમોનું પાલન કરવાનું રહેશે.

અમદાવાદના શહેરમાં તમામ ગાર્ડન તથા પાર્કસને પણ રાતના 11 વાગે સુધી  ખુલ્લા રાખવાનો નિર્ણય અગાઉ ગાર્ડન વિભાગે લીધો હતો. વેકેશનને ધ્યાનમાં રાખીને ખાસ શહેરની બહારથી આવતા લોકોને પણ સમયમાં કરવામાં આવેલા ફેરફારનો ફાયદો થઈ શકે છે. રિવરફ્રન્ટના આકર્ષણ  સાથે શહેરમાં આવેલાં ગાર્ડન તથા અમદાવાદના પ્રખ્યાત પરિમલ ગાર્ડન, લો ગાર્ડન સહિતના પાર્કની મુલાકાત લોકો લઈ શકે એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો.