Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય, અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે કોરોનાનો રોગચાળો લગભગ કાબુમાં આવી ગયો છે. બીજીબાજુ ચોમાસાની સીઝન અને ભેજવાળું હવામાનને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મ્યુનિ.નાં ડે.કમિશનરે પણ ગંભીર નોંધ લઇ લાગતાવળગતાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ગત વર્ષે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે સદનસીબે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અંકુશમાં રહ્યો હતો, પરંતુ હવે કોરોના કંટ્રોલમાં આવ્યો છે ત્યારે ચોમાસાને લીધે ભેજવાળું હવામાન હોવાથી પાણીજન્ય ઝાડા-ઊલટી, કમળો અને ટાઇફોઇડનાં કેસો વધી રહ્યાં છે. તેવી જ રીતે મચ્છરનો ઉપદ્રવ વધતાં મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ તથા ચીકનગુનિયાનાં કેસ પણ વધી ગયાં છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ સાતેય ઝોનની મેલેરીયા ખાતાની ટીમોને બાંધકામ સાઇટ્સનાં ચેકિંગમાં લગાડી દીધી છે. સાત ઝોનમાં મેલેરિયા ખાતાની ટીમોએ 176 જેટલી સાઇટમાં મચ્છરનાં લારવા વગેરેની તપાસ કરતાં 76 જગ્યાએ મચ્છરની ઉત્પત્તિ જણાઇ આવતાં નોટિસો ફટકારવાની સાથે 3.38  લાખ રૂપિયા વહિવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં પડેલાં ભારે વરસાદને પગલે તળાવોમાં થોડુ ઘણુ પાણી ભરાયું છે તેમજ ખુલ્લા પ્લોટ અને મેદાનમાં પણ પાણી ભરાયેલાં જોવા મળી રહ્યાં છે, જેમાં મચ્છરની ઉત્પત્તિ હવે શરૂ થશે અને તેના નિયંત્રણની કામગીરી શરૂ કરવી પડશે તેમ મેલેરિયા ખાતાનાં કર્મચારીઓનુ કહેવું છે.