Site icon Revoi.in

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે ક્રિકેટ મેચને લીધે મેટ્રો ટ્રેન રાતના 12.30 વાગ્યા સુધી દોડશે

Social Share

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે  આજે બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે  ટી-20 ક્રિકેટ મેચ યોજાશે. આથી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા પ્રેક્ષકોની સુવિધા માટે શહેરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાતના 12.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. શહેરનાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રિના 12.30 કલાક સુધી મેટ્રો ટ્રેન  દોડશે. આ વધારેલા સમય દરમિયાન અન્ય તમામ મેટ્રો સ્ટેશનના માત્ર નિકાસ દ્વારા ખુલ્લા રહેશે.

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે,  આજે 1લી ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત T20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે રાતના 12.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર રાત્રિના 10 વાગ્યાની જગ્યાએ રાત્રિના 12.30 વાગ્યા સુધી દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મળશે. આ વધારેલા સમય દરમિયાન અન્ય તમામ મેટ્રો સ્ટેશનના માત્ર નિકાસ દ્વારા ખુલ્લા રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે યોજાનારી ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં 80,000 જેટલા દર્શકો મેચ જોવા આવશે. ત્યારે મેચ જોવા આવનારા લોકો માટે અલગ અલગ 15 જેટલા પાર્કિંગ લોકેશનો આપવામાં આવ્યા છે. જ્યાં તેઓ પોતાના ફોર- વ્હિલર અને ટુ-વ્હિલર પાર્ક કરી અને પછી સ્ટેડિયમ સુધી આવી શકશે. પરંતુ આ પાર્કિંગ સ્ટેડિયમના દર્શકોના પ્રવેશ ગેટથી અડધો કિલોમીટર જેટલા દૂર આવેલા છે. જેથી લોકોએ તેટલું ચાલીને આવું પડી શકે તેમ છે. મેચ પૂર્ણ થયા બાદ પણ પરત ફરતી વખતે રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા થાય છે જેથી એક કલાક ટ્રાફિકમાં જ લોકો ફસાઈ જાય છે. પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યાથી જો લોકોને છુટકારો મેળવવો હોય તો તેઓ માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સારો વિકલ્પ છે. કારણકે દર્શકોના પ્રવેશ માટેના ગેટની 50 મીટર દૂર જ મેટ્રો સ્ટેશન આવેલું છે. જેથી લોકો સીધા મેટ્રો ટ્રેનમાં ઉતરી અને સ્ટેડિયમના ગેટ સુધી પહોંચી શકે છે અને વાહન પાર્ક કરવાની સમસ્યા પણ રહેતી નથી. મેચ પૂર્ણ થયા બાદ પણ તરત જ લોકો મેટ્રો ટ્રેનના સ્ટેશનમાં જઈ અને ટ્રેનમાં બેસી અને આરામથી ઘરે પહોંચી શકે છે.