Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપના 18 વર્ષના શાસનમાં ધો. 9થી12ની 2600 ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં  છેલ્લા દોઢથી બે દાયકા દરમિયાન ખાનગી શાળાઓમાં વધારો થયો છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટડ શાળાઓને તાળાં લાગી રહ્યા છે. શાળાઓને  ગ્રાન્ટ,  શિક્ષકોની ભરતી સહિતના પ્રશ્ને રાજ્ય સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કાયમી તાળા લાગી ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સ્વનિર્ભર શાળાઓના સંખ્યામાં વધારો થતો જાય છે. મોટાભાગના રાજકીય નેતાઓ, કેટલીક ધાર્મિક સંસ્થાઓ, તેમજ કેટલાક ઉદ્યાગગૃહો દ્વારા ખાનગી શાળાઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે સરકારની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટડ શાળાઓને ખંભાતી તાળાં લાગી રહ્યા છે. 18 વર્ષ પહેલા 10,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો હતી, જેમાં ઘટાડો થઈને  7400  થઇ ગઇ છે. જો આ જ નીતિ શરૂ રહેશે તો આગામી વર્ષોમાં એકલા ભાવનગરમાં જ 20થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ જશે.  ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવા પાછળ સરકારની નીતિ જવાબદાર છે. કારણ કે, સરકારી શાળાઓને પરિણામ કે સંખ્યાનો નિયમ લાગુ પડતો જ નથી જ્યારે ગ્રાન્ટેડ શાળામાં શહેરમાં 33 અને ગ્રામ્યમાં 24 કરતા ઓછી સંખ્યા હોય એટલે બંધ જ થાય છે. સરકારી શાળાઓમાં બે કે ત્રણ વિદ્યાર્થીઓ હોય તો પણ વર્ગ ચાલે જ્યારે ગ્રાન્ટેડ શાળામાં નિયમ કરતા 1 વિદ્યાર્થી ઓછો હોય તોય બંધ જ કરવાની થાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાઓમાં ગ્રાન્ટની રકમ પણ સમયસર મળતી નથી. શિક્ષકોને શિક્ષણ સિવાયના કામો સોંપાય છે.  સરકાર દ્વારા ધોરણ 9 અને 10ના બે વર્ગ હોય તો મહિને 6 હજાર અને વર્ષે 72 હજારની ગ્રાન્ટ ફાળવાય તે સામે બે વર્ગ માટે અંદાજે દોઢ લાખથી વધુનો ખર્ચ ઓછામાં ઓછો થાય છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમમાંથી ઈન્ટરનેટ ખર્ચ, પરીક્ષા ખર્ચ ,સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ વિગેરેને ગણો તો 60 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે.  ગ્રાન્ટડ શાળાઓમાં દર વર્ષે વર્ગો ઘટે છે અને શિક્ષકો મોટી સંખ્યામાં ફાજલ થાય છે. બોર્ડની ધો.10ની પરીક્ષામાં જે શાળાનું પરિણામ 30 ટકાથી ઓછું આવે તેને ગ્રાન્ટ નથી મળતી. શાળા સંચાલનના ખર્ચમાં લાખોનો વધારો થયો પણ છેલ્લા 23 વર્ષથી ગ્રાન્ટમાં વધારો નથી થયો. ખાનગી શાળાઓને આડેધડ વર્ગ વધારા અપાય છે. ત્યાં શિક્ષકોને પણ સરકારી કામ કરવાનું હોતું નથી. શિક્ષણની ગુણવત્તા સુધારવા જેની પર સૌથી વધુ ભાર હોય છે તે શિક્ષકોની ભરતીની સત્તા સંચાલકો પાસે રહી નથી.

 

Exit mobile version