Site icon Revoi.in

ગાંધીનગરમાં આંદોલનની મોસમ, આશા વર્કરો ધરણાં કરે તે પહેલા જ પોલીસે કરી અટકાયત

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકાર પોતાની માગણીને વાચા આપશે એવા આશયથી કર્મચારી સંગઠનો દ્વારા લડતના મંડાણ થયા છે. જેમાં ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે તો આંદોલનની મોસમ ખીળી ઊઠી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટનગરમાં આશા વર્કરો પણ ફિક્સ પગારની માંગણીઓ સંદર્ભે ધરણાં કરવા આવે એ પહેલાં જ અગાઉથી ચારે દિશામાં ગોઠવાયેલી પોલીસ દ્વારા એક હજારથી વધુ આશા વર્કર બહેનોની અટકાયત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના આંગણવાડી કેન્દ્રોમાં ખુદ સરકાર દ્વારા જ લઘુત્તમ વેતન સહિતના નિયમોનું વર્ષોથી સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે એ મામલે છેલ્લાં ઘણાં સમયથી આશા વર્કરો દ્વારા સરકાર સામે મોરચો માંડીને પડતર માંગણીઓનો નિકાલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી આશા વર્કરોની માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવ્યું નથી. રાજ્યના આશા વર્કર અને ફેસીલીએટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી વેક્સીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહિતની કામગીરી કરી છે અને કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવાને બદલે સરકાર પીડા આપી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરમાં પોતાના પ્રશ્નો માટે સત્યાગૃહ કરવા માટે આવેલા આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે, કોવીડ કામગીરીના સતત આખા દિવસની સેવા માટે આશા વર્કરને માત્ર દૈનિક રૂ 33 અને ફેસીલીએટરને દૈનિક રૂ 17 અપાય છે તે મશ્કરી સમાન છે, એરીયર્સ સાથે રૂ 300 દૈનિક ચુકવવા ઉપરાંત ફિક્સ પગારની માંગણી ઘણા લાંબા સમયથી પડતર છે. જે અન્વયે  ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આશા વર્કરોએ ધરણાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે આશા વર્કરો ધરણા પ્રદર્શન કરે એ પહેલાં જ ગાંધીનગર પોલીસ દ્વારા સવારથી જ ચારે દિશામાં દોડધામ કરીને સાંજ સુધીમાં 1000 જેટલી આશા વર્કરોની અટકાયત કરી લેવાઈ હતી.